સુરતના ડાયમંડ કિંગ ધીરૂ રામાણી પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં ગુમ : 3 ભારતીયોના અપહરણની આશંકા

માલીના કટ્ટરપંથી જુથે રૂા.100 કરોડની ખંડણીની માંગણી કરી : સુરતના હિરા ઉદ્યોગપતિઓમાં ચિંતાનો માહોલ

સુરતના ડાયમંડ કિંગ ધીરૂ રામાણી પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં ગુમ : 3 ભારતીયોના અપહરણની આશંકા

સુરત તા.10
સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ જગતને હચમચાવી મૂકે તેવા એક સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી આવ્યા છે. સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી માલીમાંથી રહસ્યમય રીતે ગુમ થયા છે. જોકે, કટ્ટરપંથી સંસ્થા દ્વારા અપહરણ કરાયાની આશંકા પરિવારને છે. આ વચ્ચે રૂા.100 કરોડની ખંડણીની માગ પણ કરાઈ છે. આ ઘટના છેલ્લા ત્રણ મહિનાથી બની હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો, જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન શામેલ છે, તેઓ પણ લાપતા છે. આ ઘટના સામે આવતા જ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયો ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોવાની પ્રબળ આશંકા પરિવારના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યએ જણાવ્યું છે કે, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા 100 કરોડની મસમોટી ખંડણીની માંગણી કરી છે. હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે, આટલી મોટી રકમની માંગણી બાદ પરિવાર ભારે દબાણમાં છે. સત્તાવાર તંત્ર દ્વારા આ મામલે તપાસ ચાલુ છે.