હજુુ કાર્યભાર સંભાળ્યાનાં માત્ર બે માસ થયા હતા ત્યાં જ જૂનાગઢ મનપાનાં કાર્યદક્ષ કમિશ્નર પ્રભવ જાેષીની અચાનક બદલી કેમ થઈ?
રાતોરાત બદલી થવાનું કારણ શું? શું રાજકારણ નડયું ?
જૂનાગઢ તા.22
જૂનાગઢ મનપાનાં કાર્યદક્ષ કમિશ્નર પ્રભાવ જાેષીની ગઈકાલે બદલી કરવામાં આવી છે અને તેમને ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. મનપાના કમિશ્નર તરીકે કાર્યભાર સંભાળ્યાનાં માત્ર બે માસ થયા છે ત્યાં જ પ્રભાવ જાેષીની અચાનક બદલી કેમ થઈ? તેવો સવાલ આજે લોકોમાં ચર્ચાઈ રહયો છે અને અનેક તર્કો થઈ રહયા છે. જૂનાગઢ મનપાના કમિશ્નર તરીકે આજથી બે માસ પહેલા પ્રભાવ જાેષીની નિમણૂંક કરવામાં આવી હતી. કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતાની સાથે તેઓએ કામગીરીનો દોર સંભાળ્યો હતો. જૂનાગઢ શહેરની જનતાની સમસ્યાઓ ઉકેલવા તેમજ નગરજનોને પાયાની મુળભુત સુવિધાઓ મળી રહે તેમજ વિકાસની કામગીરી પણ સતત ચાલતી રહે તે માટેનાં સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. ચોમાસાની ઋતુને ધ્યાને લઈ પ્રિ-મોન્સુન કામગીરી, અધુરા રસ્તાના કામો ઝડપભેર પુર્ણ કરવા જે તે એજન્સીઓને સુચના તેમજ તુટેલા રસ્તાઓનાં પેચવર્કની કામગીરીનાં આદેશો જારી કરેલ. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા કામોની સ્થળ વિઝીટ કરી અને સ્થળ ઉપરજ જરૂરી આદેશો જારી કરવામાં આવ્યા હતા. પુર્વ કમિશ્નર પ્રભાવ જાેષીએ કાર્યભાર સંભાળ્યાના થોડા જ સમયમાં શહેરની ભુગોળ સમજી લઈ લોકોની સમસ્યા હલ કરવા માટેનાં સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. એટલુંજ નહીં કામગીરીમાં બેદરકારી દાખવનાર એજન્સીઓને દંડ ફટકારવાની કામગીરી પણ કરી છે તેમજ રસ્તા સહીતની બાકી રહેલી કામગીરી ઝડપથી પુર્ણ કરવા આદેશો કર્યા છે. કસુરવાન અને બેજવાબદારી દાખવનાર એજન્સી સામે શિક્ષાત્મક પગલાઓ ભર્યા છે. કમિશ્નર પ્રભાવ જાેષીની કાર્યદક્ષતા અને કામગીરીને કારણે લોકોને પણ સારા કમિશ્નર મળ્યા છે તેવો સંતોષ મળ્યો હતો. પુર્વ કમિશ્નર પ્રભવ જાેષીએ જણાવ્યું હતું કે, કામમાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહી તેમજ જૂનાગઢ વાસીઓને પાયાની પ્રાથમિક સુવિધાઓ સારી રીતે મળી રહે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો અને લોકોને સારી સુવિધા આપવાની બાબતને પ્રાથમિકતા આપી તે અંગેના કાર્યો ખુબ સારી રીતે પાર પાડવામાં આવ્યા છે. એકંદરે પ્રભવ જાેષીની કમિશ્નર તરીકેની કામગીરી પ્રશંસનીય રહી છે. કોર્પોરેશન તંત્ર કમિશ્નર પ્રભવ જાેષીના સમયકાળમાં સારી રીતે ચાલી રહયું હતું ત્યાંજ અચાનક ગઈકાલે બદલીનાં આદેશ છુટયા અને પ્રભવ જાેષીની બદલી કરવામાં આવી છે. કાર્યદક્ષ કમિશ્નર પ્રભવ જાેષીની માત્ર બે મહીનામાં જ બદલી કરી નાખવામાં આવતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
પ્રભવ જાેષીની અચાનક બદલી કેમ થઈ? તેવા સવાલો આજે જનમાનસમાં ઉઠી રહયા છે. લોકો એવું પણ બોલી રહયા છે કે, કમિશ્નર પ્રભવ જાેષી પોતાની કાર્યદક્ષતાને કારણે કોઈને ખુંચ્યા અને તે કારણસર તેઓની બદલી કરવામાં આવી છે. લોકોની વાતમાં તથ્ય તો છેજ, કારણ કે ભુતકાળમાં ડોકીયું કરીશું તો અત્યાર સુધીમાં જૂનાગઢ મનપામાં કમિશ્નર તરીકે ઘણા અધિકારીઓ આવ્યા છે. કેટલાક કમિશ્નરોની કામગીરી સારી રહી છે પરંતુ સત્તાધારી પક્ષ સાથે અણબનાવ થયો હોય અને તેમને બદલી નાખવામાં આવ્યા હોય તેવું પણ બન્યું છે. મનપા કાર્યરત થયાનાં વર્ષોમાં એક ડઝનથી વધારે કમિશ્નર આવ્યા છે. ખાસ કરીને જેઓ શાસક પક્ષ સાથે ‘સમજાેતા’થી રહયા તે લાંબો સમય ટકી શકયા છે. જયારે શાસક પક્ષને નડયા હોય અથવા તો મનપામાં કમિશ્નર રાજ સ્થાપવાની કોશિષ કરનાર કમિશ્નરોને બદલાવી નાખવામાં આવ્યા છે તે પણ લોકોમાં ચર્ચાઈ રહયું છે. ખેર મનપાનાં પુર્વ કમિશ્નર પ્રભવ જાેષીને રાતોરાત બદલી નાખવાનું કારણ શું? તેવા સવાલની સાથે તેમને રાજકારણ તો નડયું નથી ને? તેવી ચર્ચા પણ ઉઠવા પામી છે.


