SIRના વિરોધમાં દિલ્હીમાં વિપક્ષનો ‘મહાસંગ્રામ’

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની અટકાયત : ૧૯ વિપક્ષી પાર્ટીઓના સાંસદોની ડેમોક્રેસી માર્ચને પોલીસે અટકાવતા વિપક્ષના સાંસદો રસ્તા પર બેસી ગયા

SIRના વિરોધમાં દિલ્હીમાં વિપક્ષનો ‘મહાસંગ્રામ’

નવી દિલ્હી, તા.૬:
નવી દિલ્હી ખાતે ૧૯ વિપક્ષી પાર્ટીઓના સાંસદોની એસઆઈઆરના વિરોધમાં ડેમોક્રેસી માર્ચ યોજવામાં આવી હતી. સંસદથી ચૂંટણી પંચ સુધી ઈન્ડિયા બ્લોકના હલ્લાબોલનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ૧૪૦ સાંસદોએ કુચ કરી હતી અને મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામાની માંગ સાથે વિપક્ષે ભારે હોબાળો મચાવી દીધો હતો.  દરમ્યાન પોલીસે વિપક્ષી સાંસદોને આગળ વધતા રોકી દીધા હતા. આ તકે રાહુલ ગાંધી હાથમાં તિરંગો લઈને બેરિકેડ પર ચઢી ગયા હતા.  આ પ્રદર્શન દરમ્યાન રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘણા વિપક્ષી સાંસદો રસ્તા પર બેસી ગયા હતા. સાંસદો સેવ ડેમોક્રસીનું બેનર લઈને પહોંચ્યા હતા અને ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો‘ના નારા લગાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના હાથમાં ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’નું પોસ્ટર હતું. તેનો અર્થ છે કે જ્ઞાનેશ કુમાર, હવે તમારો સમય આવી ગયો છે, રાજીનામું આપો. આ સુત્ર સાથે બેનરો રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, CEC વિરૂધ્ધ દેશમાં છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શન થઈ રહ્યું છે.
દરમ્યાન આજે દિલ્હીમાં નવી સંસદથી ચૂંટણી પંચ સુધીની માર્ચમાં AAP અને DMK સામેલ ન હતા વધુમાં આજની કુચ દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે SIR દ્વારા ૧૩ કરોડ નામ કાપી નાખવામાં આવ્યા છે. INDIA ગઠબંધને ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પણ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કાઢી હતી. તેમાં રાહુલ ગાંધી, ખડગે, શરદ પવાર સહિત ૨૫ વિપક્ષી દળો સામેલ થયા હતા. આજે સાંસદો સેવ ડેમોક્રેસીનું બેનર લઈને પહોંચ્યા હતા અને ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો‘ના જાેરદાર નારા લગાવવામાં આવ્યા હતા. વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમ્યાન સંસદ માર્ગ, જંતર-મંતર અને ચૂંટણી પંચની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAFના ૩,૦૦૦ થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
મલ્લિકાર્જુન ખડગેએ એક દિવસ પહેલાં X પર લખ્યું કે કોંગ્રેસ પાર્ટીની ૩ માંગણીઓ નોન-નેગોશિયેબલ છે. પહેલી- જ્ઞાનેશ કુમારનું રાજીનામું, બીજી- SIR રદ કરવું, ત્રીજી- બેલેટ પેપર પર ચૂંટણી યોજવી. ખડગેએ આક્ષેપ કર્યો છે કે SIRને કારણે ૧૩ કરોડ મતદારોનાં નામ કાપવામાં આવ્યાં છે.