કેશોદના સોંદરડા ગામે થયેલ ચોરનો ભેદ ઉકેલાયો કેશોદ પોલીસની ઝડપી કામગીરી ગણતરીના કલાકોમાં રૂા. 1.33 લાખની ચોરી ઉકેલી, બે આરોપી ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.7
કેશોદ તાલુકાના સોંદરડા ગામે બનેલી ચોરીની ઘટનાનો કેશોદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સોંદરડા ગામે ગૌશાળા નજીક આવેલ જોરાવરનગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ કેશવભાઈ મોકરિયા કામસર બહાર ગયા હતા. આ દરમ્યાન અજાણ્યા શખ્સોએ તેમના મકાનની પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ કબાટ તોડી અંદર રાખેલ રૂપિયા 85,000 રોકડા તેમજ અંદાજે દોઢ તોલા વજનનો સોનાનો ચેન, જેની કિંમત રૂપિયા 48,500 જેટલી થાય છે મળી કુલ રૂપિયા 1,33,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ભીખાભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ત્વરિત કામગીરી કરીને ટેક્નિકલ અને માનવીય સૂત્રોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ મેળવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરી છે અને આ કેસમાં વધુ કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. કેશોદ પોલીસની આ ઝડપી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે.


