જૂનાગઢમાં સફાઈ કામદાર મહીલાઓની રજુઆત તંત્રએ સાંભળી નહીં 

પાંચ દિવસ સોમનાથ કામે લગાડી છુટા કરી દીધા હોવાનો આક્ષેપ

જૂનાગઢમાં સફાઈ કામદાર મહીલાઓની રજુઆત તંત્રએ સાંભળી નહીં 

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ જીલ્લાનાં મજેવડી ગામે રહેતી ૩૦થી વધુ સફાઈ કામદારો મહીલાઓ દ્વારા રોજગારીને લઈને ગઈકાલે મનપા કચેરી ખાતે રજુઆતો કરવામાં આવી હતી. આ સાથે જ મનપાનાં સંબંધીત અધિકારી વિરૂધ્ધ ગંભીર પ્રકારનાં આક્ષેપો પણ કરવામાં આવતા ચકચાર જાગી ઉઠી છે. 
આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં છેલ્લા બે મહીનાથી શહેરની વિવિધ કચેરીઓમાં ૩૦ જેટલી મહીલાઓ સફાઈ કામગીરી કરી રહી હતી. આ દરમ્યાન મનપાનાં એક કર્મચારીનો ફોન આવ્યો હતો અને તમામ સફાઈ કામદાર મહીલાઓને સોમનાથ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેવા જણાવ્યું હતું. અને સોમનાથથી પરત ફર્યા બાદ આ મહીલાઓને કામ પરથી છુટા કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગઈકાલે સવારે ૯ થી સાંજનાં પ વાગ્યા સુધી આ મહીલાઓ કોર્પોરેશન ખાતે આવી હતી. અને રજુઆતો કરી હતી. પરંતુ તેઓને કામ પર લેવામાં આવી ન હતી. આ સાથે જ એક વરીષ્ઠ કર્મચારીએ કરેલી ટીપ્પણી અંગે પણ સફાઈ કર્મચારી મહીલાઓમાં ભારે આક્રોશ ઉઠવા પામ્યો હતો.