વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામની સીમમાં પરણીત મહીલાની ગળુ કાપી નિર્મમ હત્યા : રહસ્ય અકબંધ

મહીલાની હત્યા કરી શકદાર આરોપીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર હેઠળ : ગુનાનો ભેદ ઉકેલવા તપાસ

વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામની સીમમાં પરણીત મહીલાની ગળુ કાપી નિર્મમ હત્યા : રહસ્ય અકબંધ

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામની સીમમાં પરણીત મહીલાની તિક્ષ્ણ હથીયારો વડે ગળુ કાપી અને નિર્મમ હત્યા થયાનો બનાવ બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે સનસનાટી મચી જવા પામી છે. આ હત્યાનાં કેસમાં સંડોવાયેલા શકદાર આરોપીએ પણ ઝેરી દવા પીતા તેને જૂનાગઢની સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. અને આ લખાય છે ત્યાં સુધીમાં તેને ભાન તો આવી ગયું છે પરંતુ કંઈ બોલવા તૈયાર નથી. બીજી તરફ પોલીસ દ્વારા તેનું નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે રહેતા સુમીતાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઈ ગોહીલ (ઉ.વ. ૪૦) નામની મહીલા ગઈકાલે તેની વાડીએ એકલા હતા અને તેનાં પતિ ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઈ ગોહીલ જેતલવડ કામે ગયા હતાં એવામાં બપોરે સુમીતાબેનનો તેમની વાડીએ આવેલ મકાનમાં ખાટલા પરથી ગળુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અને ખાટલા નીચે લોહીનાં ખાબોચીયા ભરાઈ ગયા હતાં. આ બનાવ અંગેની જાણ થતાં વિસાવદર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસની કામગીરી હાથ ધરી હતી. 
પ્રાથમિક તપાસમાં ૪૦ વર્ષીય સુમીતાબેનને કોઈ તિક્ષ્ણ હથીયારનાં ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયુ હતું. દરમ્યાન પોલીસની પ્રાથમિક તપાસમાં જયાં મહીલાની લાશ મળી હતી ત્યાંથી ચાર-પાંચ ખેતર દૂર પ્રેમપરાનાં ૪ર વર્ષનાં અરજણભાઈ ગોવિંદભાઈ બાડેલીયા નામનાં શંકાસ્પદ શખ્સ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતાં તેને સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે. પરીણીતાનાં હત્યાનો બનાવનો ભેદ ઉકેલવા પોલીસ પ્રયાસ કરી રહી છે. શકદાર આરોપી ભાનમાં આવતા જ તેનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તેના નિવેદન ઉપરથી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા પામે તેમ મનાય છે. દરમ્યાન આ બનાવ અંગે ડીવાયએસપી હિતેશ ધાધલીયાનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનનાં પીઆઈ પટેલ વધુ તપાસ ચલાવી રહયા છે.