પામોલીન તેલની આયાત ઘટાડવા જૂનાગઢમાં ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન, ખેડૂતોને મળશે નિભાવ સહાય
નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ-ઓઈલ પામ યોજના હેઠળ પ્રથમ વર્ષે પ્રતિ હેક્ટર રૂ.29 હજાર અને ત્યારબાદ ચાર વર્ષ સુધી દર વર્ષે રૂ.10,500ની સહાય
જૂનાગઢ,તા.૨૫
દેશમાં પામોલીન તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોને ઓઈલ પામની ખેતી તરફ પ્રોત્સાહિત કરવાના હેતુથી નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ-ઓઈલ પામ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ઓઈલ પામના વાવેતર માટે સહાય આપવામાં આવે છે.
પામોલીન તેલ પામના ઝાડમાંથી મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ પેકેટ ફૂડ સહિત વિવિધ ખાદ્ય બનાવટોમાં કરવામાં આવે છે. હાલ બજારમાં આ તેલની માંગ વધુ હોવાનું તેમજ દેશમાં તેની જરૂરિયાતનો એક હિસ્સો અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવતો હોવાનું બાગાયત વિભાગની માહિતીમાં જણાવાયું છે. આયાત પાછળ ખર્ચાતા વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થાય અને સ્થાનિક ખેડૂતોને તેનો આર્થિક લાભ મળી શકે તેવા હેતુથી ઓઈલ પામના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
યોજના અંતર્ગત ઓઈલ પામનું વાવેતર કરતા ખેડૂતોને નિભાવણી તેમજ આંતરપાકના ખર્ચ માટે તબક્કાવાર સહાય આપવામાં આવશે. પાકના વાવેતર માટે પ્રથમ વર્ષે પ્રતિ હેક્ટર રૂ.29,000ની સહાય આપવામાં આવશે, જ્યારે ત્યારબાદના ચાર વર્ષ સુધી પ્રતિ વર્ષ રૂ.10,500ની સહાય આંતરપાક અને નિભાવણી ખર્ચ પેટે મળવાપાત્ર રહેશે.
જૂનાગઢ જિલ્લામાં ઓઈલ પામના વાવેતર માટે સરકાર દ્વારા પ્રિ-યુનિક કંપનીને માન્યતા આપવામાં આવી હોવાનું જણાવાયું છે. ઓઈલ પામની ખેતી અને સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો વધુ વિગતો માટે પ્રિ-યુનિક કંપનીના મોબાઇલ નંબર 9154197975 પર સંપર્ક કરી શકશે.
આ ઉપરાંત ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમબાગ, લઘુકૃષિભવન, જૂનાગઢ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકશે અથવા ફોન નંબર 0285-2635019 પર ટેલિફોનિક માહિતી મેળવી શકશે.


