બાળકીના અપહરણ-દુષ્કર્મ-હત્યાનો આરોપી આણંદ નજીક એન્કાઉન્ટરમાં ઠાર

ઠાર મરાયેલા આરોપી સુરેશ પરમારે વાસદની 4.5 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી કરપીણ હત્યા કરી નાખી હતી : રેલ્વે ટ્રેક પરથી બાળકીની 3 કટકામાં લાશ મળી હતી

બાળકીના અપહરણ-દુષ્કર્મ-હત્યાનો આરોપી આણંદ નજીક એન્કાઉન્ટરમાં ઠાર

આણંદ તા.20
વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ કરી દુષ્કર્મ અને ર્નિમમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. 
બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની બોચાસણથી ધરપકડ કરાયા બાદ જ્યારે LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી, ત્યારે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.
PSI રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપી સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર (રહે.રઢુપુરા બાંધણી) વિરુદ્ધ અગાઉ પણ આણંદ રૂરલ પોલીસ સ્ટેશને દુષ્કર્મનો ગુનો નોંધાયો છે.
ધરપકડ બાદ એલસીબીની ટીમ આરોપી સુરેશ પરમારને સરકારી વાહનમાં આણંદ તરફ લઈને આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં આરોપીએ અચાનક ઊલટી થવાનું બહાનું કાઢીને આસોદરથી કંથારીયાની વચ્ચે બ્રીજ નજીક પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતાં જ આરોપીએ પોતાની પાસે ગુપ્ત રીતે છુપાવી રાખેલા ચપ્પુ વડે ઓચિંતો પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ કટોકટીની સ્થિતિમાં LCBના PSI રાણાએ આરોપીને કાબૂમાં લેવા અને હુમલો રોકવા માટે વારંવાર કાયદેસરની ચેતવણી આપી હતી. જોકે, ઉશ્કેરાયેલો આરોપી વધુ હિંસક બની પોલીસ પર તૂટી પડતા, અંતે PSI રાણાએ પોતાના સ્ટાફ અને સ્વ-બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ઘવાયેલા આરોપીનું મૃત્યુ થયું હતું.