માણાવદરમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ‘આયુષ મેળો’, નિઃશુલ્ક સારવાર-દવાઓ સાથે ઔષધીય રોપાનું વિતરણ

‘સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ’ થીમ સાથે પટેલ વાડી ખાતે યોજાયો આરોગ્ય મેળો; 12 જેટલી OPD, સ્વાસ્થ્ય તપાસ, ગર્ભ સંસ્કાર યજ્ઞ, આયુર્વેદિક હેલ્થ ડ્રિંક અને જનજાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાયા

માણાવદરમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ‘આયુષ મેળો’, નિઃશુલ્ક સારવાર-દવાઓ સાથે ઔષધીય રોપાનું વિતરણ

જૂનાગઢ, તા.૨૩
11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે ‘સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ’ થીમ આધારિત આયુષ મેળો-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. માણાવદરની પટેલ વાડી ખાતે યોજાયેલા આ મેળામાં આયુર્વેદ સહિતની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન, નિઃશુલ્ક તબીબી પરામર્શ, આરોગ્ય તપાસ, દવાઓ અને ઔષધીય રોપાના વિતરણ સહિતની વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો અને ઘરઆંગણે વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન લાભાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો અને મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આયુષ મેળા જેવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને ઘરઆંગણે આયુર્વેદ અને વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન મળી રહ્યું છે ત્યારે નાગરિકોએ બહોળી સંખ્યામાં આવી સેવાઓનો લાભ લેવો જોઈએ.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ બાળકોના આહાર અંગે વાત કરતાં માતા-પિતાને બહાર મળતા પેકેટબંધ નાસ્તાની જગ્યાએ ઘરે બનાવેલો આરોગ્યપ્રદ મિલેટ્સ આધારિત નાસ્તો આપવા અનુરોધ કર્યો હતો. તેમણે આયુષ મેળાના આયોજન દ્વારા લોકોને આરોગ્ય અંગે માર્ગદર્શનની સાથે નિઃશુલ્ક ઉપચાર અને દવાઓ જેવી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થતી હોવાનું જણાવ્યું હતું.
આયુષ મેળામાં વિવિધ આરોગ્ય સેવાઓ માટે લગભગ 12 જેટલી OPD કાર્યરત રાખવામાં આવી હતી. તેમાં હાડકાં સંબંધિત સમસ્યાઓ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ત્રીરોગ, બાળરોગ અને દંત ચિકિત્સા સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. દર્દીઓ અને લાભાર્થીઓને નિઃશુલ્ક તબીબી પરામર્શ સાથે જરૂરી સ્વાસ્થ્ય તપાસ અને દવાઓ પણ આપવામાં આવી હતી.
મેળામાં ઔષધીય વનસ્પતિઓના બગીચાનું પ્રદર્શન પણ યોજાયું હતું. લોકોને વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને તેના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી હતી. સાથે જ મિલેટ્સમાંથી તૈયાર થતી વિવિધ વાનગીઓનું નિદર્શન, આયુર્વેદ અને દવાઓ અંગે માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ તથા ઔષધીય વનસ્પતિના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગર્ભ સંસ્કાર યજ્ઞ, આયુર્વેદિક હેલ્થ ડ્રિંક અને કાઢાનું વિતરણ, આયુર્વેદ જનજાગૃતિ રેલી, રીલ મેકિંગ કોમ્પિટિશન તથા ભગવાન ધન્વંતરિનું પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ તમામ પ્રવૃત્તિઓના માધ્યમથી આયુર્વેદ અને પરંપરાગત આરોગ્ય પદ્ધતિઓ અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અને આયુર્વેદ માર્ગદર્શિકા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને ઔષધીય રોપા અને વિવિધ દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુબેન ડાંગર, નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, આયુર્વેદ, ICDS અને આરોગ્ય શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકો, આંગણવાડી તથા આશા બહેનો, શાળાના બાળકો, ડોક્ટરો, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.