મહિલા અનામત કાનૂનમાં સુધારા કરતા ૩ વિધેયક લોકસભામાં રજુ : આવતીકાલે મતદાન

લોકસભાની વર્તમાન બેઠકોની સંખ્યા પ૪૩થી વધારીને ૮પ૦ કરવાનો પ્રસ્તાવ : ર૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

મહિલા અનામત કાનૂનમાં સુધારા કરતા ૩ વિધેયક લોકસભામાં રજુ : આવતીકાલે મતદાન

(એજન્સી)    નવી દિલ્હી,તા.૧૬:
આજે સંસદમાં મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ બિલો પર ચર્ચા કરવી કે નહીં તે અંગે મતદાન કરવામાં આવતા બીલનાં પક્ષમાં ૨૫૧ અને વિરોધમાં ૧૮૫ મત પડયા હતા.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ બિલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર બંધારણને હાઇજેક કરવા માંગે છે. આ પછી, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે વિરોધ કર્યો અને કહ્યું કે જ્યાં સુધી મુસ્લિમ મહિલાઓને અનામત આપવામાં ન આવે ત્યાં સુધી તેનો કોઈ અર્થ નથી. અમિત શાહે જવાબ આપ્યો, ધર્મના આધારે મુસ્લિમો માટે અનામત ગેરબંધારણીય છે; તેનો સવાલ જ ઉભો થતો નથી. ત્યારબાદ મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બિલોમાં ૨૦૨૯થી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો પ્રસ્તાવ છે. આ હેતુ માટે આજથી ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેનો આજે પહેલો દિવસ છે. સુધારા બિલમાં લોકસભા સાંસદોની સંખ્યા ૮૫૦ કરવાનો પ્રસ્તાવ છે. વર્તમાન સંખ્યા ૫૪૩ છે. રાજ્યોમાં ૮૧૫ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૩૫ સુધી બેઠકો હશે. બેઠકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવા માટે સીમાંકન પણ કરવામાં આવશે. ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષ મહિલા અનામતની વિરુદ્ધ નથી પરંતુ લોકસભામાં બેઠકો વધારવાની વિરુદ્ધ છે. સમગ્ર વિપક્ષ સંસદમાં તેની વિરુદ્ધ મતદાન કરશે. બેઠકમાં રાહુલ ગાંધી અને ટીએમસી, આરજેડી, શિવસેના (યુબીટી), એનસીપી (શરદ જૂથ), AAPના નેતાઓ સામેલ થયા હતા.
પહેલાં, નિયમ એવો હતો કે સીમાંકન ૨૦૨૬ પછીની પહેલી વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે. હવે, સરકાર આ શરતને દૂર કરવા માંગે છે અને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવાનો અધિકાર આપવા માંગે છે, જેથી કોઈ વિલંબ ન થાય અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણી સુધીમાં તેનો અમલ થઈ શકે.
સીમાંકન બિલ (૨૦૨૬) અનામત લાગુ કરવા માટેની પદ્ધતિઓ નક્કી કરશે. તે એક નવા સીમાંકન કમિશનની રચનાની જોગવાઈ કરે છે, જે બેઠકો માટે નવી સીમાઓ નક્કી કરશે. કમિશન નક્કી કરશે કે ૮૫૦ બેઠકોમાંથી કઈ ૨૭૩ (૩૩%) બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. જો કે, બેઠકો ફાળવવાનું ફોમ્ર્યુલા સ્પષ્ટ કરવામાં આવી નથી. બિલ નક્કી કરશે કે દરેક ચૂંટણી પછી અનામત બેઠકો કેવી રીતે ફેરવવામાં આવશે  ? દરમ્યાનમાં લોકસભામાં ત્રણેય વિધેયકો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.  ચર્ચાના અંતે વડાપ્રધાન જવાબ આપશે અને ત્યારબાદ આવતીકાલે સાંજે ૪.૦૦ વાગ્યે આ ત્રણેય ખરડા પર મતદાન થશે તેમ જણાવાઈ રહ્યું છે.