અંધકારમાં પ્રકાશ પાથરતી પ્રેરણાની દીપશિખા એટલે જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ દિકરી મંજુલાબેન કરમુરનું ગૌરવગાન
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
ક્યારેક જીવન આપણાં આગળ એવા પડકારો મૂકે છે જે સામાન્ય માણસને નિરાશ બનાવી શકે. પરંતુ કેટલાક વિરલ આત્માઓ એવી હોય છે જે આ પડકારોને પોતાની શક્તિ બનાવી લે છે અને પોતાના સંકલ્પથી સમગ્ર સમાજને નવી દિશા આપે છે. જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ દીકરી મંજુલાબેન ભલાભાઇ કરમુર એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે જેમણે અંધકાર વચ્ચે જ્ઞાનનો અખંડ દીવો પ્રગટાવી સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. સત્યમ સેવા યુવક મંડળ તથા શ્રી પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય જૂનાગઢમાં અભ્યાસ કરતી મંજુલાબેને અદભૂત સંકલ્પ અને અનન્ય મહેનત દ્વારા ભગવદ ગીતા ના સંપૂર્ણ ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકો કંઠસ્થ કરી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર શબ્દોની યાદશક્તિ નહીં પરંતુ આત્મિક શક્તિ, શ્રદ્ધા અને અવિરત સાધનાનું જીવંત ઉદાહરણ છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિને માન આપી ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ગાંધીનગર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવૃતજીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ભાગ્યેશ જહા, કુલપતિ સુકાન્ત કુમાર તથા ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાનજય પાલીવાલ, ડો. સંદીપ ભટ્ટ સહિતના મહાનુભાવો દ્વારા મંજુલાબેનને એવોર્ડ, રોકડ રકમ, ખેસ અને સન્માનપત્ર અર્પણ કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. આ ક્ષણ માત્ર મંજુલાબેન માટે નહીં પરંતુ સમગ્ર પ્રજ્ઞાચક્ષુ સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહી. આ સિદ્ધિ પાછળ સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. પ્રજ્ઞાચક્ષુ અંધ કન્યા છાત્રાલય, જૂનાગઢના પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથીએ દીકરીની આ સફળતાને ખૂબ ગૌરવ સાથે વધાવી અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે જૂનાગઢના અગ્રણી ખેતી બેંકના ડોલરભાઈ કોટેચાએ પણ દીકરીને સન્માન સમારોહ માટે લઈ જવાની વ્યવસ્થા કરી, જે તેમની સેવા અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ત્યારબાદ જૂનાગઢ ખાતે પણ મંજુલાબેનના સન્માન માટે એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેસરી દૈનિક અખબાર ગાંધીનગર બ્યુરો ચીફ તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા સહ ઇન્ચાર્જ સંજયભાઈ પંડ્યા, મિડીયા ઇન્ચાર્જ સુરેશભાઈ પાનસુરીયા, સવરા મંડપના મહંત કાન્તીબાપુ, રાષ્ટ્રચિતી ન્યૂઝ ચેનલના તંત્રી યજ્ઞેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ ડઢાણીયા, બીપીનભાઈ ચૌહાણ, યુગભાઈ પુરોહિત સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ગૌરવ અને ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું. સાથે સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ જેમ કે અરવિંદભાઈ મોરડિયા, બટુક બાપુ, શાંતાબેન બેસ, મનીષભાઈ લોઢીયા અને અલ્પેશભાઈ પરમાર સહિત તમામ સેવાભાવી દાતાઓએ મંજુલાબેનની આ અસાધારણ સિદ્ધિને હાદિર્ક અભિનંદન પાઠવી તેને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી. મંજુલાબેન કરમુર આજે માત્ર એક વિદ્યાર્થી નથી રહી, પરંતુ તેઓ અડગ મનોબળ, શ્રદ્ધા અને સંકલ્પનું જીવંત પ્રતિક બની ગઈ છે. તેમની આ સિદ્ધિ આપણને શીખવે છે કે સાચી દ્રષ્ટિ આંખોમાં નહીં પરંતુ મન અને આત્મામાં વસે છે. જો મનમાં વિશ્વાસ અને પ્રયત્નમાં સચ્ચાઈ હોય, તો કોઈપણ અંધકાર આપણને રોકી શકતો નથી. આવી દીકરીઓ સમાજનું ગૌરવ છે અને મંજુલાબેન તો એ દીવો છે, જે પોતે પ્રગટીને અન્યોના જીવનમાં પ્રકાશ ફેલાવે છે.


