અનંત અંબાણીની કોલંબિયા સરકારને હૃદયસ્પર્શી અપીલ
વનતારામાં કોલંબિયાના 80 હિપ્પોને મળશે નવું જીવન
જામનગર,તા.30
કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં વસતા 80 હિપ્પોપોટેમસ પર તોળાઈ રહેલા મોતના સંકટને ટાળવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વનતારાના સ્થાપક અનંત અંબાણી આગળ આવ્યા છે. કોલંબિયા સરકારે વધતી જતી સંખ્યા અને ઇકોસિસ્ટમને નુકસાનના નામે આ પ્રાણીઓને મારી નાખવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણય સામે અનંત અંબાણીએ વૈજ્ઞાનિક અને માનવીય વિકલ્પ રજૂ કરતા જણાવ્યું છે કે, આ જીવંત પ્રાણીઓનો કોઈ વાંક નથી, તેથી તેમને બચાવવા એ આપણી નૈતિક જવાબદારી છે.
અનંત અંબાણીએ કોલંબિયાના પર્યાવરણ મંત્રીને પત્ર લખીને આ 80 હિપ્પોને સુરક્ષિત રીતે પકડી, તેમનું સ્થળાંતર કરી ગુજરાતના જામનગરમાં આવેલા વનતારા કેન્દ્રમાં આજીવન સંભાળ પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વનતારા વિશ્વનું સૌથી મોટું વન્યજીવ બચાવ અને સંરક્ષણ કેન્દ્ર છે, જ્યાં આ પ્રાણીઓને તેમના કુદરતી આવાસ જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. વનતારા આ સમગ્ર પ્રક્રિયા માટે જરૂરી તમામ નાણાકીય, વૈજ્ઞાનિક અને વહીવટી સહાય પૂરી પાડવા તૈયાર છે. પોતાની દરખાસ્તમાં અનંત અંબાણીએ સ્પષ્ટ કર્યું છે કે કરુણા અને જાહેર સુરક્ષા વિરોધી નથી. યોગ્ય આયોજન અને વિજ્ઞાનના ઉપયોગથી નદી કિનારાના સમુદાયોનું રક્ષણ કરવાની સાથે આ મૂંગા જીવોનો જીવ પણ બચાવી શકાય છે. વનતારા પાસે વેટરનરી લીડરશિપ અને આંતરરાષ્ટ્રીય સ્તરના બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ્સ ઉપલબ્ધ છે, જે કોલંબિયાની તમામ શરતોને આધીન રહીને કામ કરશે. આ પહેલ પ્રાણી કલ્યાણ પ્રત્યે તેમની વર્ષો જૂની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેના માટે તેમને ‘ગ્લોબલ હ્યુમેન એવોર્ડ‘ પણ મળ્યો છે.
કોલંબિયામાં હિપ્પોની સંખ્યા 1980ના દાયકાથી સતત વધી રહી છે, જેને ત્યાં ‘આક્રમક પ્રજાતિ‘ તરીકે જાહેર કરાઈ છે. વનતારાએ અપીલ કરી છે કે જ્યાં સુધી આ વૈકલ્પિક દરખાસ્તનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેમને મારવાનો ર્નિણય મોકૂફ રાખવો જાેઈએ.


