અંબાજી મંદિરનાં નવા મહંત કોણ બનશે ? તમામની મીટ

નવા મહંતની નિમણુંક માટેની પ્રથમ તબકકાની કામગીરી પૂર્ણ થઈ છે : ૧૮ દાવેદારો છે : ટુંક સમયમાં થશે આગળની કાર્યવાહી

અંબાજી મંદિરનાં નવા મહંત કોણ બનશે ? તમામની મીટ
Instagram

જૂનાગઢ તા. ર૪
લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા ગરવા ગીરનાર ઉપર બિરાજમાન અંબાજી માતાજીનાં મંદિરનાં મહંતની નિમણુંક માટેની પ્રથમ તબકકાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. મહંત પદ માટે કુલ ૧૮ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. ગીરનાર પર આવેલા અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ ગત તા. ૧૯ નવેમ્બર ર૦ર૪નાં રોજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંત પદની બાબતને લઈને ભારે વિવાદ શરૂ થયો હત. જેને લઈને રાજય સરકારે દરમ્યાનગીરી કરતાં આખરે મંદિરમાં વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવનાં મંદિરનો સરકાર હસ્તક કબ્જાે લઈને વહીવટદાર તરીકે સીટી મામલતદારની નિમણુંક કરીને મહંત પદનાં વિવાદને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા અને આજ સુધી એક વર્ષથી ઉપરોકત ત્રણે મંદિરમાં વહીવટદારનું શાસન છે. 
દરમ્યાન અંબાજી માતાજી મંદિરનાં મહંતની નિમણુંક કરવા માટેની પ્રક્રિયા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિવિદા બહાર પડાયા બાદ અરજી માંગવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુદત પુરી થતાં તા. ર૪ સપ્ટેમ્બર ર૦રપ સુધીમાં તંત્રને અંબાજી મંદિરનાં મહંત બનવા માટે કુલ ૧૮ ઉમેદવારોએ અરજીઓ આપી દીધી છે. અને પ્રક્રિયાનો પ્રથમ તબકકો પુરો થયો છે. પ્રાપ્ત વિગત અનુસાર અંબાજી મંદિરનાં મહંત પદ માટેની મળેલી અરજીઓ અંગે વિવિધ તબકકે ચકાસણી અને વેરીફીકેશન કરવામાં આવતું હોય છે. આવેલ અરજીઓ ઉપર ચોકકસ નિયમો અનુસાર પ્રથમ મામલતદાર ચકાસણી કરી તે અંગેનો એક અહેવાલ તૈયાર કરી અને આ અહેવાલ પ્રાંત અધિકારીને મોકલી આપે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થતી હોય છે. મહંત પદ બનવા માંગતા દાવેદારો અંગેની સઘળી વિગતો મેળવ્યા બાદ તેઓને સાંભળવામાં પણ આવે છે. અને ત્યારબાદ એક રીપોર્ટ તૈયાર કરવામાં આવે આ રીપોર્ટ કલેકટરને આપવામાં આવે અને મહંત પદની નિમણુંક માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધા બાદ મહંતની નિમણુંક કરવામાં આવશે તેમ મનાય છે.
મહંત પદ માટેની અરજીઓ નિયમ સમયમાં મોકલી આપ્યાનો પ્રથમ તબકકો પૂર્ણ થઈ ચુકયો છે. જે વાતને બે માસ જેવો સમય પણ થઈ ગયો છે. હવે મામલતદાર ત્યારબાદ પ્રાંત અધિકારી અને અંતમાં કલેકટર પાસે અંબાજી મંદિરના મહંતની નિમણુંક માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયાનો અહેવાલ સુપ્રત કરવામાં આવશે. અને ત્યારબાદ અંબાજી મંદિરનાં મહંતની નિમણુંકની જાહેરાત કરવામાં આવશે તેમ મનાય છે. દરમ્યાન અંબાજી મંદિરનાં નવા મહંત કોણ બનશે ? એ અંગે સંબંધીતોની મીટ મંડાયેલી છે.