અભિનેત્રી અનન્યા રાજના નિધનનો એક મહિના બાદ ખુલાસો, પરિવારની ભાવુક અપીલ

35 વર્ષની અભિનેત્રીનું 15 જુલાઈએ નિધન થયું હતું; પરિવારના જણાવ્યા મુજબ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહી હતી

અભિનેત્રી અનન્યા રાજના નિધનનો એક મહિના બાદ ખુલાસો, પરિવારની ભાવુક અપીલ

મુંબઈ, તા. 17:
અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજના નિધનના સમાચાર તેમના પરિવાર દ્વારા લગભગ એક મહિના બાદ જાહેર કરવામાં આવ્યા છે. પરિવારજનોએ અનન્યાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ભાવુક નોંધ શેર કરીને તેમના નિધનની માહિતી આપી હતી. પરિવારના જણાવ્યા મુજબ, અનન્યાએ 15 જુલાઈએ વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
પરિવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે અનન્યા લાંબા સમયથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમય દરમિયાન તેણે પોતાની બીમારીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કર્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, અનન્યાએ મુશ્કેલ સમય દરમિયાન હિંમત જાળવી રાખી હતી અને મજબૂત મનોબળ સાથે પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
પરિવાર દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં અનન્યાની યાદોને ભાવુક શબ્દોમાં વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ તેમની આત્માની શાંતિ માટે ચાહકોને પ્રાર્થના કરવાની અપીલ કરવામાં આવી હતી. આ મુશ્કેલ સમયમાં પરિવારને જરૂરી ખાનગીપણું અને શાંતિ આપવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.
આ પોસ્ટ સાથે પરિવારે અનન્યાના અંતિમ સંસ્કારની એક તસવીર પણ શેર કરી હતી. ઉપરાંત તેમની તસવીર સાથે શ્રદ્ધાંજલિ આપતી અન્ય તસવીર પણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી.
અનન્યા રાજે અભિનય ક્ષેત્રે હિન્દી ઉપરાંત પ્રાદેશિક સિનેમામાં પણ કામ કર્યું હતું. ફિલ્મો સિવાય તે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. વર્ષ 2019માં આવેલી ‘7 અવર્સ ટુ ગો’ ફિલ્મથી તેણે બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હોવાનું જણાવાય છે. ત્યારબાદ તેણે તેલુગુ ફિલ્મ ‘તગેદે લે’ અને ‘ધ ટ્રાઇલિંગ્યુઅલ મદ્રાસી ગેંગ’ જેવા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું હતું.
સોશિયલ મીડિયા પર પણ અનન્યા રાજની સારી એવી ફેન ફોલોઇંગ હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમને લગભગ પોણા ત્રણ લાખ લોકો ફોલો કરતા હોવાનું સામે આવ્યું છે. તેમના અચાનક નિધનના સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.
પરિવારે એક મહિના બાદ અનન્યાના નિધનની જાણકારી જાહેર કરતાં તેમની સાથે જોડાયેલી યાદોને ફરી એકવાર લોકો સમક્ષ લાવી છે. પરિવારની અપીલ મુજબ, આ દુઃખદ સમયમાં ચાહકો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે અને પરિવારની ગોપનીયતાનું સન્માન કરે તેવી વિનંતી કરવામાં આવી છે.