આપણી કુદરતી વિરાસત અને 'બિગ કેટ્સ' : પર્યાવરણના સાચા રક્ષકોનું સંરક્ષણ કેમ જરૂરી?

ગીરના એશિયાઈ સિંહથી લઈને વાઘ, દીપડા અને ચિત્તા સુધી – ભારતના બિગ કેટ્સ જાળવે છે કુદરતનું સંતુલન

આપણી કુદરતી વિરાસત અને 'બિગ કેટ્સ' : પર્યાવરણના સાચા રક્ષકોનું સંરક્ષણ કેમ જરૂરી?
AI Image

જૂનાગઢ, તા. 28
કુદરતનું સંતુલન જાળવવામાં જંગલના સર્વોચ્ચ શિકારી તરીકે ઓળખાતા 'બિગ કેટ્સ'નું મહત્વ ખૂબ જ વિશેષ છે. સિંહ, વાઘ, દીપડો, ચિત્તા, હીમ દીપડો અને બ્લેક પેન્થર જેવા પ્રાણીઓ માત્ર પોતાની શક્તિ, ઝડપ અને શિકાર કરવાની ક્ષમતા માટે જ જાણીતા નથી, પરંતુ સમગ્ર પર્યાવરણને સંતુલિત રાખવામાં પણ તેમની અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે. નિષ્ણાતોના મતે, બિગ કેટ્સનું સંરક્ષણ એટલે સમગ્ર જંગલ અને તેની જૈવવિવિધતાનું સંરક્ષણ.
ભારત વિશ્વના એવા થોડા દેશોમાં સામેલ છે જ્યાં સિંહ, વાઘ અને દીપડા જેવી મુખ્ય બિગ કેટ્સની પ્રજાતિઓ કુદરતી રીતે જોવા મળે છે. તાજેતરના વર્ષોમાં ચિત્તાના પુનર્વસનથી દેશના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે.
ગીરના એશિયાઈ સિંહ – ગુજરાતની વૈશ્વિક ઓળખ
વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગુજરાતનું ગીર અને બૃહદ ગીર વિસ્તાર છે. ગીર ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના બરડા વિસ્તાર સુધી સિંહોની હાજરી નોંધાઈ રહી છે. વન વિભાગ, સ્થાનિક માલધારીઓ અને લોકોના સહકારથી છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે અને હાલમાં ગુજરાતમાં અંદાજે 891 એશિયાઈ સિંહો નોંધાયા છે.

ત્રણ દાયકા બાદ ગુજરાતમાં દેખાયો વાઘ
રોયલ બંગાળ ટાઈગર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. એક સમય હતો જ્યારે ડાંગ અને પંચમહાલના જંગલોમાં વાઘ જોવા મળતા હતા, પરંતુ બાદમાં તેઓ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા હોવાનું માનવામાં આવતું હતું. જોકે, ફેબ્રુઆરી 2026માં દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશ તરફથી આવેલા એક વાઘના કેમેરા ટ્રેપમાં ફોટા મળતાં ત્રણ દાયકાથી વધુ સમય બાદ ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. ભારતમાં હાલમાં અંદાજે 3,682 વાઘો હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે છે દીપડા
દીપડો ગુજરાતના લગભગ તમામ જંગલ વિસ્તારોમાં જોવા મળતો સૌથી વધુ અનુકૂલનક્ષમ બિગ કેટ છે. ગીર, ડાંગ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની હાજરી નોંધાય છે. ઘણીવાર જંગલની સરહદે આવેલા ગામો અને ખેતરોમાં પણ દીપડાની અવરજવર જોવા મળતી હોવાથી લોકોમાં જાગૃતિ અને સાવચેતી અત્યંત જરૂરી બને છે. ગુજરાતમાં અંદાજે 2,274 દીપડા હોવાનું અનુમાન છે.

બ્લેક પેન્થર – કુદરતનો વિરલ ચમત્કાર
બ્લેક પેન્થર કોઈ અલગ પ્રજાતિ નથી, પરંતુ મેલેનિઝમના કારણે કાળા રંગનો બનેલો દીપડો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લાના જંગલોમાં સમયાંતરે બ્લેક પેન્થર જોવા મળ્યાના કિસ્સા નોંધાયા છે. ભારતમાં અંદાજે 1,540 બ્લેક પેન્થર હોવાનું અનુમાન છે.

હિમાલયનો રહેવાસી હીમ દીપડો
હીમ દીપડો મુખ્યત્વે લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના બરફીલા વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં તેની સંખ્યા અંદાજે 718 હોવાનું માનવામાં આવે છે.

ચિત્તાનું ભારતમાં પુનરાગમન
વર્ષ 2022માં શરૂ કરાયેલા 'પ્રોજેક્ટ ચિત્તા' હેઠળ આફ્રિકાથી ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા. હાલમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક અને ગાંધી સાગર વિસ્તારમાં ચિત્તા વસે છે. ગુજરાતના કચ્છના બન્ની ઘાસના મેદાનોને પણ ભવિષ્યના સંરક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં ભારતમાં અંદાજે 33 ચિત્તા છે.

ગુજરાતમાં બિગ કેટ્સ માટેના મહત્વના પ્રોજેક્ટ
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વન્યજીવનના સંરક્ષણ માટે અનેક યોજનાઓ અમલમાં છે. તેમાં પ્રોજેક્ટ લાયન હેઠળ એશિયાઈ સિંહોના સ્વાસ્થ્ય, નિવાસસ્થાન અને આધુનિક મોનિટરિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે બરડા અભયારણ્યને ગીરના વિકલ્પરૂપે સિંહો માટે બીજા સુરક્ષિત નિવાસસ્થાન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.
બિગ કેટ્સનું સંરક્ષણ શા માટે જરૂરી?
બિગ કેટ્સને 'અંબ્રેલા સ્પીસીઝ' તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે, તેમના સંરક્ષણથી સમગ્ર જંગલ, વનસ્પતિ, નદીઓ અને અન્ય અસંખ્ય જીવોનું પણ રક્ષણ થાય છે. તેઓ શાકાહારી પ્રાણીઓની વસ્તી નિયંત્રિત રાખીને ખોરાક શૃંખલાનું સંતુલન જાળવે છે, જેના કારણે જંગલોનું કુદરતી સ્વરૂપ અખંડિત રહે છે.
માનવ અને વન્યજીવ સહઅસ્તિત્વ સમયની જરૂરિયાત
વધતી વસ્તી અને જંગલ વિસ્તારોમાં ઘટાડાને કારણે માનવ અને વન્યજીવો વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે. નિષ્ણાતોના મતે, જંગલ નજીક રહેતા લોકોએ રાત્રિના સમયે સાવચેતી રાખવી, વન્યજીવ દેખાય તો સુરક્ષિત અંતર જાળવવું અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
બિગ કેટ્સ માત્ર જંગલના શક્તિશાળી શિકારી નથી, પરંતુ સમગ્ર પર્યાવરણના સંતુલનના આધારસ્તંભ છે. ગીરના સિંહ હોય કે દીપડો, વાઘ કે ચિત્તા – દરેક પ્રજાતિ કુદરતી પરિસ્થિતિ માટે અમૂલ્ય છે. આવનારી પેઢીઓને સમૃદ્ધ અને હરિયાળું પર્યાવરણ આપવું હોય તો આજે જ વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃત બનવું અને કુદરત સાથે સહઅસ્તિત્વનો સંકલ્પ લેવો સમયની સૌથી મોટી જરૂરિયાત છે.