ઉનાના ખાપટ ગામમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ : સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી માટે ત્રણ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરાઈ

ઉનાના ખાપટ ગામમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ : સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી માટે ત્રણ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.11
ઉના તાલુકાના ખાપટ ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં ભણાવતા એક શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી રે.કાળાપાણ તા.ઉના દારૂ પીવાની ટેવ વાળો હોય ચાલુ શાળાએ દારૂ પીતો હોય ગત તા.20-6-26ના રોજ શાળાના સમય દરમિયાન ધોરણ-૭માં અભ્યાસ કરતો સગીર વયના કિશોરને રૂપિયા 20ની લાલચ આપી વિદેશી દારૂની બોટલ મંગાવવા રૂપિયા 500 આપેલ એ કિશોર ખાપટ ગામે એક દુકાનેથી વિદેશી દારૂની બોટલ લાવી શિક્ષક હરેશગીરીને આપેલ અને બાકીના વધતા રૂપિયા 230 કિશોરે પરત આપેલ હતા. આ બાબતની જાણ પ્રાથમિક શાળાના આચાર્ય મિલનગીરી જીવનગીરી ગોસ્વામીને થતા વધેલ રૂપિયા કબ્જે લઈ શિક્ષકોની રૂબરૂમાં પંચરોજ કામ કરી વધેલ રૂપિયા અને દારૂની બોટલ સીલ પેક કરી કબાટમાં મૂકી ઊના તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં શિક્ષક હરેશગીરી સામે ફરિયાદ કરી હતી. પરંતુ ઉના તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બનાવને ૧૬ દિવસ થવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. ગઈકાલે આ વાત સોશિયલ મીડિયામાં ચમકી હતી અને જીલ્લા ડી.ડી.ઓ. તાલુકા શિક્ષણ અધિકારીને રૂબરૂ બોલાવેલ અને આચાર્યને પોલીસ ફરિયાદ નોંધવાનું કહેતા ઉના પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાની ટેવ વાળો શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી રે.કાળપાણને સામે ફરિયાદ નોંધાવી હતી. ઉના પોલીસએ શિક્ષકની ઘરેથી શિક્ષક હરેશગીરી ગુલાબગીરીની ધરપકડ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ આ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આમ જો શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે વિદ્યાર્થીને વિદેશ દારૂ કેમ લાવવો તે શીખડે તો આમ બાળકો ભણે કેવી રીતે શિક્ષણ જગતમાં શરમજનક બનાવ બનતા ઉના તાલુકાના ગામડાઓમાં કેવી રીતે ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે તે બહાર આવેલ છે. પોલીસે દ્વારા દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે.
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં જિલ્લા વિકાસ -અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાપટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ઉના પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ બાબતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ચારિત્ર્યના ઘડતર માટે જેમના શિરે જવાબદારી છે, તેવા શિક્ષક તરફથી આ પ્રકારનું શરમજનક ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન નહીં કરે. ધોરણ ૬ થી ૮માં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી સામે તપાસ માટે ગીરસોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાયા બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રી ડો. વાજાએ આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા સાથે સીધી વાત કરીને સમગ્ર ઘટનામાં  પોલીસ તંત્રને કડક કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, આ શિક્ષકને તલાલા તાલુકાની રમળેચી પ્રાથમિક શાળા ખાતે ફરજમોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.