એઆઈ જનરેટેડ ચુકાદાઓ ટાંકવા ઝેરી ગેસ છોડવા જેવું ઘાતક : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી, તા.4
આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દ્વારા જનરેટ કરાયેલા ખોટા અને ભ્રામક ચુકાદાનો કોર્ટમાં ઉપયોગ થવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે AIએ જનરેટ કરેલા ચુકાદાઓને ચકાસણી વગર કોર્ટમાં એક ઉદાહરણ તરીકે રજૂ કરવા અથવા તેના પર આધાર રાખવા સામે ઝીરો ટોલેરન્સ નીતિ આવશ્યક છે. એઆઇ ચુકાદા કોર્ટમાં ટાંકવા વકીલ માટે વ્યાવસાયિક ગેરવર્તણૂક ગણાશે. જો ન્યાયાધીશ પણ ભ્રામક AI-જનરેટેડ ચુકાદાઓ પર આધાર રાખીને ર્નિણય આપે તો તે પણ અત્યંત ગંભીર ભૂલ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના એક ચુકાદાને રદ કરતાં ન્યાયમૂતિર્ પી.એસ. નરસિમ્હા અને આલોક આરાધેની બેન્ચે જણાવ્યું હતું કે કાયદાના ક્ષેત્રમાં ખોટી, અસ્તિત્વમાં ન હોય તેવી અને AI દ્વારા ઘડાયેલી સામગ્રીનો ઉપયોગ કરવો એ કાયદા અને ન્યાયની દુનિયામાં ઝેરી મિથાઈલ આઇસોસાયનેટ ગેસ છોડવા જેવું છે. આવી સામગ્રી માત્ર ન્યાયિક પ્રક્રિયાને પ્રદૂષિત જ કરતી નથી, પરંતુ ન્યાય વ્યવસ્થાના મૂળભૂત આધારને પણ નષ્ટ કરે છે.


