કીતિર્મંદિર પોલીસે ગણતરીની કલાકોમાં મોપેડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.20
પોરબંદર લીમડાચોકની બાજુમાં ચાક માર્કેટની સામેના રહેવાસી પ્રવીણાબેન ભનુભાઈ લીલાધર કવા દ્વારા કીતિર્મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી મોપેડ ચોરીની ફરિયાદનો ભેદ કીતિર્મંદિર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે. ફરિયાદ મુજબ પ્રવીણાબેન કવા જુબેલી ગુરૂકુળના ગેટ સામે “રાજયોગ ટેલર” નામની દુકાન ચલાવે છે. ત્યારે તા.18-7-2026ના રોજ તેઓ પોતાનું હોન્ડા એક્ટિવા ઘરે પાર્ક કરી અંદર ગયા હતા. બપોરે દુકાને જવા નીકળતાં મોપેડ સ્થળ પરથી ગુમ હોવાનું જણાયું હતું. શોધખોળ કરવા છતાં મોપેડ મળી ન આવતા તેમણે સિટીઝન પોર્ટલ મારફતે ઈ-એફ.આઈ. આર. નોંધાવી હતી. આ ફરિયાદના આધારે કીતિર્મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મેળવી લકડી બંદરપુલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જ્યાંથી આરોપી મનીષ ગીગાભાઈ મઢવી(ઉ.વ. 37), રહે. પોરબંદરને ચોરી કરાયેલા એક્ટિવા મોપેડ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.


