કરીના કપૂર પોતાના પુત્રોને બાળપણથી શીખવી રહી છે આ ખાસ વાતો, કહ્યું- ‘છોકરાઓ પણ ખુલીને રડી શકે’
તૈમૂર અને જેહને દયાળુ, જવાબદાર અને લાગણીઓ વ્યક્ત કરતા શીખવવા પર કરીનાનો ભાર; બાળકો પર સામાજિક માન્યતાઓનું દબાણ ન લાદવાની વાત કરી
મુંબઈ, તા.૩
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર પોતાની ફિલ્મી કારકિર્દીની સાથે બે પુત્રો તૈમૂર અને જેહના ઉછેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. બાળપણથી જ લાઇમલાઇટમાં રહેલા બંને પુત્રોને કરીના કેટલીક એવી બાબતો શીખવી રહી છે, જે તેના મતે ભવિષ્યમાં તેમને વધુ સારા અને જવાબદાર વ્યક્તિ બનવામાં મદદ કરશે. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરીનાએ પોતાના પેરેન્ટિંગના અભિગમ અંગે વાત કરી હતી.
કરીનાના જણાવ્યા પ્રમાણે તે બાળકોને વધુ પડતા બંધનમાં રાખવા કે તેમના પર સમાજની પરંપરાગત માન્યતાઓનું દબાણ લાદવામાં માનતી નથી. જોકે, દયા, જવાબદારી અને પોતાની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવાની ટેવ બાળપણથી જ વિકસે તે માટે તે ખાસ ધ્યાન આપે છે.
કરીનાએ કહ્યું કે બે પુત્રોની માતા તરીકે તે તેમના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે અને તેમને સુરક્ષિત રાખવાની સાથે જવાબદાર બનાવવાનો પ્રયાસ કરે છે. તેના મતે બાળકોમાં સૌથી મહત્વપૂર્ણ ગુણ દયાળુ સ્વભાવનો હોવો જોઈએ. ખાસ કરીને પુરુષોએ વધુ સંવેદનશીલ અને દયાળુ બનવું જોઈએ અને દરેક વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ.
કરીનાએ ‘છોકરાઓ રડતા નથી’ જેવી પરંપરાગત માન્યતા સામે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું કે તે પોતાના પુત્રોને કહે છે કે રડવું આવે તો પોતાની લાગણીઓને રોકવાને બદલે ખુલીને રડી લેવું જોઈએ. રડવું કોઈ ખોટી બાબત નથી અને છોકરાઓ પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી શકે એવું ક્યાંય લખાયેલું નથી.
કરીનાના મતે છોકરીઓની જેમ છોકરાઓ પણ સંવેદનશીલ હોય છે. દુઃખ, ડર કે અન્ય લાગણીઓને દબાવી રાખવાને બદલે બાળકોને તેને યોગ્ય રીતે વ્યક્ત કરતાં શીખવવું જરૂરી છે. તે તૈમૂર અને જેહને સમજાવે છે કે તેઓ પોતાની માતા કે અન્ય કોઈ વ્યક્તિ સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે અને તેમાં શરમ અનુભવવાની જરૂર નથી.
અભિનેત્રીનું માનવું છે કે બાળકો રડે, ડરે કે દુઃખી થાય ત્યારે તેમની લાગણીઓને નકારી કાઢવાને બદલે માતા-પિતાએ તેને સામાન્ય માનવીય લાગણી તરીકે સમજવી જોઈએ. કરીના પોતાના પુત્રોમાં બાળપણથી જ દયાળુ સ્વભાવ, જવાબદારી અને લાગણીઓને સ્વસ્થ રીતે વ્યક્ત કરવાની ટેવ વિકસાવવા પર ભાર મૂકી રહી છે.


