કોરા રહી ગયેલા કચ્છ, જામનગર, દ્વારકામાં આખરે મેઘરાજાની કૃપા વરસી : માંડવીમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો

આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : રેડ એલર્ટ

કોરા રહી ગયેલા કચ્છ, જામનગર, દ્વારકામાં આખરે મેઘરાજાની કૃપા વરસી : માંડવીમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો

(બ્યુરો)                 ભૂજ, તા.૧૫
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી કોરા રહી ગયેલા કચ્છ, જામનગર તથા દ્વારકામાં છેવટે મેઘરાજાએ મહેર વરસાવી હોય તેમ ત્રણેય જિલ્લાઓમાં વ્યાપક વરસાદ થયો હતો. કચ્છમાં મેઘરાજાએ ધડબડાટી સર્જી હોય તેમ સવા સાત ઇંચ સુધીનો વરસાદ થયો હતો. કચ્છના માંડવીમાં આજે સવારે બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે બપોર સુધી કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં પણ ૬ ઇંચ સુધીનો વ્યાપક વરસાદ હતો. સતાવાર રીપોર્ટ પ્રમાણે કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. અંજારમાં સૌથી વધુ ૧૮૪ મીમી વરસાદ ખાબકતા માર્ગો જળબંબાકાર બન્યા હતા.
આ સિવાય ગાંધીધામમાં ૧૧૭ મીમી તથા ભચાઉમાં ૧૧૨ મીમી પાણી વરસ્યું હતું. અબડાસામાં ૫૫ મીમી, ભુજમાં ૮૪ મીમી, લખપતમાં ૭૭ મીમી, માંડવીમાં ૫૨ મીમી, મુંદ્રામાં ૯૦ મીમી, નખત્રાણામાં ૬૦ મીમી તથા રાપરમાં ૬૦ મીમી વરસાદ થયો હતો. એક જ દિવસમાં સિઝનનો ૧૮ ટકા વરસાદ થઇ ગયો હતો. અત્યાર સુધી કચ્છ ઝોનમાં સિઝનનો વરસાદ પુરો ૩૦ ટકા પણ નહતો તે ૪૮.૬૨ ટકા થયો છે.