ખંભાળિયામાં મહેસૂલી કર્મીઓની હડતાલ : કામગીરી ઠપ્પ

રાજ્યવ્યાપી આંદોલનમાં દ્વારકા જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા

ખંભાળિયામાં મહેસૂલી કર્મીઓની હડતાલ : કામગીરી ઠપ્પ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૮
રાજ્યના મહેસૂલ વિભાગના આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને બુધવારથી બેમુદ્દતી હડતાળનું એલાન કર્યું છે, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા છે. 
આના પગલે જિલ્લાના વહીવટી તંત્રની કામગીરી ખોરવાઈ જવા પામી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો કોઈ સકારાત્મક ઉકેલ ન આવતાં અંતે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળે સરકાર સામે મોરચો માંડયો છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરોએ આંદોલનમાં હિસ્સો લેનારા કર્મચારીઓને ‘સવિર્સ બ્રેક‘ કરવાની ચીમકી આપી છે, તેમ છતાં પણ કર્મચારીઓ પોતાની હડતાળ પર યથાવત રહ્યા છે. માસ સી.એલ. બાદ પણ સરકારે મહેસૂલ વિભાગના કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી ન હતી. ગઈકાલથી શરૂ થયેલ બેમુદતી હડતાળને લીધે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે અત્યંત જરૂરી એવા જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સટિર્ફિકેટ અને ડોમિસાઈલ સટિર્ફિકેટ મેળવવાની પ્રક્રિયા અટકી દવા પામી છે. મામલતદાર કચેરીઓમાં જમીનની કાચી-પાકી નોંધો, હક્ક પત્રક, વારસાઈ આંબો અને મિલકત ટ્રાન્સફરને લગતી તમામ વહીવટી કામગીરીઓ ઠપ્પ થઈ જશે. જનસેવા કેન્દ્રો અને મામલતદાર કચેરીઓમાં નવા રેશનકાર્ડ કઢાવવા, નામ ઉમેરવા કે સુધારવા અને આધારકાર્ડ સંબંધિત કામો બંધ થત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો-સીધી અસર થઈ છે. આ આંદોલન આગામી દિવસોમાં પણ જારી રહેશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.