ગુજરાત વિધાનસભાના ૩ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ  મોંઘવારી, ખેડુતોના મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષનું આક્રમક વલણ

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા : વિરોધ કરવા જઈ રહેલા આપના નેતાઓ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાને પોલીસે વિધાનસભા પરીસરમાં પ્રવેશતા અટકાવ્યા

ગુજરાત વિધાનસભાના ૩ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ  મોંઘવારી, ખેડુતોના મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષનું આક્રમક વલણ

ગાંધીનગર તા.૦૯
ગુજરાત વિધાનસભાના ત્રિ-દિવસીય ચોમાસુ સત્રની આજથી પ્રારંભ થયો છે. બપોરે ૧૨ વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે અને પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. ત્યારે સત્ર શરૂ થાય તે પહેલા શાસક પક્ષ ભાજપ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો સત્ર શરૂ થાય તે પહેલા જ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પણ બેસી ગયા હતા. જેમાં ધારાસભ્ય અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, તુષાર ચૌધરી, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા જોડાયા છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે.
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ખેડૂતોના પાકના નુકસાન અને દુષ્કાળના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિતના ધારાસભ્યો ઘાસના પૂળા તેમજ ખેતરમાં સુકાયેલા અને સડેલા પાક સાથે વિધાનસભા તરફ જવા નીકળ્યા હતા. જોકે, પોલીસે તેમને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. વિધાનસભા ગૃહના પગથિયાં પર દુષ્કાળની માંગ સાથે વિરોધ કરવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસે અટકાવ્યા હતા.