ગીરનારની લીલી પરીક્રમાનાં આયોજન માટે તંત્ર દ્વારા એકશન પ્લાન કયારે ઘડાશે ?

પરીક્રમાનાં પાંચ દિવસનાં મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય ત્યારે રસ્તા, પાણી, લાઈટ સહીતની અનેક સુવિધા ઉભી કરવા માંગ : પરીક્રમા આડે ૩૮ દિવસ બાકી છે ત્યારે યોગ્ય કાર્યવાહીની માંગ

ગીરનારની લીલી પરીક્રમાનાં આયોજન માટે તંત્ર દ્વારા એકશન પ્લાન કયારે ઘડાશે ?
Patrika News

(જગડુશા ડી. નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા.૨૩
જૂનાગઢ નજીક આવેલા ગીરનાર ક્ષેત્રમાં દેવદિવાળીના પાવનકારી પર્વથી દર વર્ષે શરૂ થતી ગીરનારની લીલી પરીક્રમા આડે ૩૮ દિવસ રહયા છે ત્યારે જયાં લાખોની સંખ્યામાં ભાવિકો દર વર્ષે પરીક્રમાનું પુનીત ભાથુ બાંધવા આવતા હોય ત્યારે પરીક્રમાર્થીઓની સુવિધાઓ માટે સુચારૂ આયોજન કરવું અત્યંત જરૂરી છે. જીલ્લા વહીવટી તંત્ર પાસે ઘણો સમય છે ત્યારે પરીક્રમા પ્રશ્ને તત્કાલ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
ગરવા ગીરનાર કે જયાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે તેવા આ ક્ષેત્રમાં દર વર્ષે દેવદિવાળીના દિવસથી લીલી પરીક્રમાનો પાંચ દિવસનો મેળો યોજવામાં આવતો હોય છે. પરીક્રમાનાં આ પાંચ દિવસનાં મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી પોતાના સંઘ સાથે આવે છે. પરીક્રમાના આ મેળા દરમ્યાન આવતા ભાવિકોની સુખસુવિધા અને સલામતી માટે સંબંધીત તમામ વિભાગ દ્વારા પગલાઓ લેવામાં આવતા હોય છે. પરંતુ કયાંકને કયાંક લેવાતા પગલામાં ક્ષતી પણ ઉઠવા પામતી હોય છે. અને જયાં લાખો માનવ સમુદાય ઉમટી પડયો હોય ત્યાં અસુવિધાનો સામનો પણ કરવો પડતો હોય છે. જીલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ દર વર્ષે પરીક્રમા સંબંધીત આયોજન કરવામાં આવતું હોય છે અને બેઠકોનો દોર ચાલતો હોય છે ત્યારે આ વર્ષે પણ કાર્યવાહી થશે જ. પરંતુ ગરવા ગીરનારની ૩૬ કિમીની લીલી પરીક્રમાનો પ્રારંભ આગામી તા. ૧-૧૧-રપને શનિવારનાં રોજ થશે અને પરીક્રમાની પૂર્ણાહુતિ કારતક સુદ પુનમ તા. પ-૧૧-રપને બુધવારનાં રોજ થવાની છે. તંત્ર પાસે દોઢ માસ જેવો સમય બાકી રહયો છે. ત્યારે ગીરનારની લીલી પરીક્રમાનો મેળો સુચારૂ આયોજન સાથે યોજવા માટેની કવાયત હાથ ધરવા માંગણી ઉઠવા પામી છે. ગીરનારની લીલી પરીક્રમાનાં આ મેળામાં આવતા શ્રધ્ધાળુઓની સુખ સુવિધા માટે ધાર્મિક સંસ્થાઓ, સંતો તેમજ સેવાકીય મંડળ, ઉતારા મંડળ અને અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રની સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોય છે. અને લાખો ભાવિકોને માટે પ્રસાદ ભોજનની ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર, જીલ્લા વહીવટી તંત્ર, મનપા તંત્ર પીજીવીસીએલ તંત્ર, વન વિભાગ, એસટી વિભાગ, જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત, સ્થાનિક સેવાકીય સંસ્થા, આરોગ્ય વિભાગ તેમજ સરકારનાં માધ્યમથી પણ અનેકવિધ પગલાઓ લેવામાં આવતા હોય છે. દરમ્યાન આગામી લીલી પરીક્રમા માટે આયોજન જરૂરી છે. અને ખાસ કરીને ભારે ચોમાસાનાં દિવસો દરમ્યાન રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ બની ગઈ છે. પરીક્રમા રૂટના રસ્તાઓ, ગીરનારની સીડી, વિજ વ્યવસ્થા તેમજ પ્રાથમિક સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ખાસ કરીને ટોયલેટ બોકસની પણ સુવિધાઓ જરૂરી બની છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે ભવનાથ તળેટી ખાતે દર વર્ષે શિવરાત્રીનો મેળો અને પરીક્રમાના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. અને નિજાનંદની મસ્તી, અલખની આરાધના અને સેવાની કામગીરી થતી હોય છે. ગીરનારની લીલી પરીક્રમા એટલે ગરવા ગીરનારની ૩૬ કિમીની પ્રદક્ષીણા કરવામાં આવે છે. જંગલમાં મંગલ જેવું વાતાવરણ સર્જાઈ છે. લીલી પરીક્રમા નિયત સમયે શરૂ થાય તે પહેલા જ પાછલા કેટલાક વર્ષ થયા પરીક્રમાનો ગેઈટ એક દિવસ વહેલો જ ખોલી નાખવાની ફરજ પડે છે. ત્યારે આ તમામ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી અને ગરવા ગીરનારની આગામી લીલી પરીક્રમા સાનુકુળ શાંતિમય અને ખુબજ સુંદર રીતે યોજાય અને શ્રધ્ધાળુઓને પણ અનેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી ગીરનારની લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજન માટે એક જબ્બર એકશન પ્લાન ઘડી કાઢવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.