બીનખેતી કરેલી જમીનોમાં નવા પ્રોપર્ટી કાર્ડ જ અંતિમ દસ્તાવેજ : ગામ નમૂના નં.7 બંધ થશે
(બ્યુરો) ગાંધીનગર, તા.1
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બિનખેતી થયેલા સર્વે નંબરોના આધારે તૈયાર કરવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડને લઈને મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. 29 જૂન, 2026ના પરિપત્ર દ્વારા રાજ્યભરમાં ગામ નમૂના નં.-7 (VF-7)ના આધારે બનેલા જુનો પ્રોપર્ટી કાર્ડને બંધ કરાશે.
મહેસૂલ વિભાગે જણાવ્યું છે કે, અત્યાર સુધી બિનખેતી થયેલા સર્વે નંબરોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવતા હતા. જોકે, રી-સર્વે, જમીનના વિભાજન, પ્લોટિંગ અથવા અન્ય કારણોસર એક જ ગામ નમૂના નં.-7 સામે એકથી વધુ પ્રોપર્ટી કાર્ડ અથવા એકથી વધુ ગામ નમૂના નં.-7 સામે એક જ પ્રોપર્ટી કાર્ડ જેવી સ્થિતિ સર્જાતી હતી.
હવે આવી તમામ વિસંગતતાઓને દૂર કરીને નિયમસર નવા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે અને જૂના ગામ નમૂના નં.-7ને બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાર્ડના તમામ કેસ માટે અલગ-અલગ કાર્યવાહી નક્કી કરવામાં આવી છે. સંબંધિત રેકોર્ડમાં પોર્ટલ પર પણ જરૂરી સુધારા કરવામાં આવશે, જેથી જમીન માલિકોને એકસરખો અને સચોટ ડેટા ઉપલબ્ધ થઈ શકે.


