ગુવાહાટી ટેસ્ટમાં ભારતની શરમજનક હાર 

દક્ષીણ આફ્રિકાએ ૪૦૮ રનના તોતિંગ માર્જીનથી હરાવ્યું: ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો વ્હાઈટ વોશ : નાલેશીભરી હારથી ર-૦ થી સીરીઝ ગુમાવી

ગુવાહાટી ટેસ્ટમાં ભારતની શરમજનક હાર 

(એજન્સી)       ગુવાહાટી તા.ર૬
ગુવાહાટી ટેસ્ટમાં ભારત શર્મનાક હાર થઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ સમગ્ર ભારતીય ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૪૦ રનમાં તંબુ ભેગી થઈ જતાં દક્ષીણ આફ્રિકાએ ભારતને ૪૦૮ રનના તોતિંગ માર્જીનથી કારમી હાર આપી છે. પ્રથમ દાવમાં પણ ભારતીય ટીમનો ધબડકો બોલી ગયો હતો. જેનું બીજા દાવમાં પણ પુનરાવર્તન થયું હતું. પ્રથમ દાવમાં દક્ષીણ આફ્રિકાની ટીમે ૪૪૯ રનનો જાેરદાર સ્કોર બનાવ્યો હતો અને બીજાે દાવ ર૬૦ રન અને પાંચ વિકેટ ગુમાવીને ડીકલેર કર્યો હતો. સામા પક્ષે ભારતીય ટીમે પ્રથમ દાવમાં ર૦૧ રન અને બીજા દાવમાં માત્ર ૧૪૦ રન બનાવી ટીમ ઈન્ડિયા ઓલ આઉટ થઈ ગઈ હતી. જેને કારણે ભારતીય ટીમનો ૪૦૮ રનના માર્જીનથી કારમો પરાજય થયો હતો અને ભારતે બે ટેસ્ટ મેચની સીરીઝ ર-૦ થી ગુમાવી હતી. આમ દક્ષીણ આફ્રિકાએ ભારતીય ટીમનો વ્હાઈટ વોશ કરી નાંખ્યો હતો. 
દક્ષીણ આફ્રિકાએ ભારતને કોલકતા ટેસ્ટમાં પણ ૩૦ રનથી હરાવ્યું હતું. દક્ષીણ આફ્રિકાએ રપ વર્ષ પછી ભારતને પોતાના જ ઘરમાં ક્લિન સ્વિપ કરી નાંખ્યું છે.જેને કારણે ટીમની પસંદગી અને ટીમના કોચ ગૌતમ ગંભીરની ક્ષમતા પર ગંભીર સવાલો ઉઠયા છે. દક્ષીણ આફ્રિકા સામેની કારમી હારને પગલે આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં ઘરમુળથી પરિવર્તન વ્યાપક ફેરફારો કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.