ચોરવાડના પ્રયોગશીલ ખેડૂતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગાડી વિશ્વની સૌથી મોંઘી ‘મિયાઝાકી‘ અને સૌથી મોટી ‘નૂરજહાં‘ કેરી
પ્રાકૃતિક કૃષિ પરિ સંવાદની સાથે આયોજિત પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનમાં જાપાનની ‘મિયાઝાકી‘ અને અફઘાનિસ્તાનની પ્રખ્યાત વેરાયટી ‘નૂરજહાં‘ આકર્ષણનું કેન્દ્ર બની
જૂનાગઢ, તા.20
જૂનાગઢ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોનું એક વિશેષ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિશ્વની સૌથી મોંઘી ગણાતી જાપાનની ‘મિયાઝાકી‘ કેરી તેમજ અફઘાનિસ્તાનની પ્રખ્યાત વેરાયટી ‘નૂરજહાં‘ કેરી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામના પ્રયોગશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વી. એમ. વાજાએ ચોરવાડના વાતાવરણમાં આ બંને પ્રજાતિની કેરીઓનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં સફળતા મેળવી છે.
ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ કૃષિ પરીસંવાદ દરમિયાન આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને ખેડૂતની મહેનત અને પ્રયોગશીલતાને બિરદાવી હતી.
પ્રગતિશીલ ખેડૂત વી. એમ. વાજાએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોંઘી ગણાતી જાપાનની મિયાઝાકી કેરી સામાન્ય રીતે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વાતાવરણ નિયંત્રિત (કંટ્રોલ) કરીને ઉગાડવામાં આવે છે. પરંતુ, આ કેરીને ચોરવાડના કુદરતી વાતાવરણમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં સફળતા મેળવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પોરબંદર ખાતેની જાહેર હરાજીમાં આ મિયાઝાકી કેરીના એક નંગના અંદાજે રૂ. 1700 જેટલી ઊંચી કિંમત ઉપજી હતી. ઉપરાંત, તેમણે દુનિયાની સૌથી કદાવર કેરીઓ પૈકીની એક એવી અફઘાનિસ્તાનની ‘નૂરજહાં‘ કેરીનું પણ સફળ ઉત્પાદન કર્યું છે. આ નૂરજહાં જાતના માત્ર એક જ ફળનું વજન આશરે બે કિલોગ્રામ જેટલું થાય છે.
વી. એમ. વાજા કૃષિ ક્ષેત્રે સતત અવનવા પ્રયોગો કરતા રહે છે. તેમણે સામાન્ય રીંગણીના રોપાને જંગલી રીંગણી સાથે તેમજ રીંગણીના છોડને ટમેટાના છોડ સાથે કલમ કરીને નવો પ્રયોગ કર્યો છે. આ કલમ કરેલી રીંગણી પૈકી એકની વિશેષતા એ છે કે, તે સતત ત્રણ વર્ષ સુધી રીંગણનું ઉત્પાદન આપે છે. તેમણે ખાસ લોકોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. સાથે જ, લોકોને પોતાના ઘરવપરાશ માટે શાકભાજી ઘેર જ ઉગાડવા અપીલ કરી હતી.


