જૂનાગઢના ખામધ્રોળ રોડ પર ધામિર્ક બાંધકામના મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા.30
જૂનાગઢનાં ખામધ્રોળમાં અશાંતધારો લાગુ હોય તેવા હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં રહેણાંકની સાથે ધામિર્ક જગ્યા માટે બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. દરમ્યાન આ અંગે ગઈકાલે ૧૫થી વધુ સોસાયટીના રહીશોએ મિલ્કત રજીસ્ટ્રેશન રદ કરવાની ઉગ્ર માંગણી સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે સ્થાનીકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના બિનખેતી પ્લોટ નંબર 37 થી 41ની ખુલ્લી જમીન, જે ઝાકિરભાઈ શેખની માલિકીની છે, ત્યાં હાલમાં પાણીનો બોર કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ત્યાં રહેણાંક વિસ્તારની વચ્ચે ધામિર્ક જગ્યાનુંં મોટું બાંધકામ શરૂ કરવાની હિલચાલ થઈ રહી છે. આ ઉપરાંત, તેની પાછળ આવેલા સાર્વજનિક પ્લોટ પર પણ દબાણ કરવામાં આવ્યું છે અને અંગત વપરાશ સામે સોસાયટી વાસીઓએ વાંધો ઉઠાવ્યો છે. તેમજ હિન્દુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં કોમી એકતા ડહોળવાનો અને ધામિર્ક લાગણી દુભાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક હિન્દુ પરિવારોને નાછૂટકે પલાયન કરવાની ફરજ પડશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉપરોક્ત બાબતે એક વિસ્તૃત આવેદનપત્ર ગઈકાલે કલેકટરશ્રીને આપવામાં આવ્યું હતું. આ સાથે જ શ્રીરાજ સોસાયટી, હેમાવન સોસાયટી, લાલા ટેનામેન્ટ, ખોડિયાર નગર, અર્જુન પાર્ક, મારૂતી પાર્ક સોસાયટી, ગોપાલનગર, વિજયનગર, નંદનવન સોસાયટી, સ્વસ્તિકનગર, શ્યામલ પાર્ક, પુનમ પાર્ક, તિરૂપતી સોસાયટી, વિધાતાનગર સોસાયટી તેમજ સિધ્ધાર્થ નગર સોસાયટી સહિતની 15 સોસાયટીના રહેવાસીઓ દ્વારા તાત્કાલિક આ અંગે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.


