જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની જીલ્લા બેઠક યોજાઈ : રાજુભાઈ રાઠોડનું સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ તરીકે સન્માન

જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની જીલ્લા બેઠક યોજાઈ : રાજુભાઈ રાઠોડનું સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ તરીકે સન્માન

જૂનાગઢ, તા.21
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના પ્રેરણાસ્ત્રોત ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં હિન્દુ સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન માટે વિવિધ સેવાકીય તથા સંગઠનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. તેના જ અનુસંધાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ - જૂનાગઢ જિલ્લાની એક મહત્વપૂર્ણ બેઠક ઝાંઝરડા સ્થિત ખેતલિયા દાદા આશ્રમ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના પદાધિકારીઓ તેમજ જિલ્લા ટીમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમ્યાન ડૉ. પ્રવીણભાઈ તોગડિયા દ્વારા નિર્ધારિત સમગ્ર ભારતમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપવાના લક્ષ્યાંકને વધુ ગતિ આપવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જૂનાગઢ જિલ્લામાં સંગઠનનો વ્યાપ વધારી, હનુમાન ચાલીસા કેન્દ્રો તથા સંગઠનની વિવિધ સમિતિઓને ગ્રામ્ય કક્ષા સુધી વધુ સક્રિય બનાવવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આવનારા હિન્દુ તહેવારોને ધ્યાનમાં રાખીને વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ હતી. આ ઉપરાંત, આગામી મહિને ડૉ. પ્રવીણભાઈ તોગડિયાનો જૂનાગઢ જિલ્લાના તાલુકાસ્તરે પ્રવાસ યોજાનાર હોય, તેના પૂર્વ આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં શરૂ થનારા "ઘરે-ઘરે સંપર્ક અભિયાન" અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્ષોથી સંગઠન પ્રત્યે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી હિન્દુ સમાજની સેવામાં સતત સક્રિય રહેલા રાજુભાઈ રાઠોડની ‘સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ‘ તરીકે વરણી થતાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જયસુખભાઈ બુટાણી, રાજુભાઈ રાઠોડ, રાજનભાઈ સોની, ગૌરવ સુખાનંદી, અભિષેક પટોળિયા (જિલ્લા અધ્યક્ષ - AHP), ગોરધનભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ભુવા, હિરેનભાઈ ઠેશીયા, રાજ અરણીયા, હિતેન વાછાણી તેમજ‘ ઇન્ડિયા હેલ્થ લાઇન‘માં સેવા આપતા ડૉ. આકાશ મોણપરા, ડૉ. નૈમિષ ત્રાડા, ડૉ. જય લાડાણી સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.