જૂનાગઢમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનું ધુમ વેચાણ
વાસી અખાદ્ય પદાર્થ તેમજ ભેળસેળવાળી વસ્તુઓને સસ્તા ભાવે પધરાવી દેવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો : મનપાનું ફુડ તંત્ર બે ચાર કેસ કરી નિષ્ક્રીય બની જાય છે!
જૂનાગઢ તા. 30
જૂનાગઢ શહેરમાં ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું ધુમ વેચાણ કરવામાં આવી રહયું છે. એક તો વાસી અખાદ્ય પદાર્થ અને પછી ભેળસેળ જેને લઈને ભેળસેળવાળો પદાર્થ ખાવાથી લોકોનાં આરોગ્યને માટે ખતરા સમાન છે. જેથી બજારમાં વેચાતા ભેળસેળવાળા પદાર્થો વેચનારા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં ભેળસેળીયા તત્વો તેફામ બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. દુધથી લઈ લગભગ મોટાભાગની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે. ચટણી, હળદર, ચણાનો લોટ તેમજ સીંગતેલ, પામતેલ, કપાસીયા તેલ ઉપરાંત લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટમાં મળતી ખાવા-પીવાની વેરાયટીઓમાં પણ પનીર સહીતની વસ્તુઓમાં ભેળસેળ થતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ખાવા માટેની લોકોને મનભાવતી વેરાયટીઓ જેવી કે પીઝા, બર્ગર, હોટડોગ, પાઉભાજી, ઢોસા સહીતની ખાદ્ય વાનગીઓ જાે એકદમ શુધ્ધ બનાવેલી હોય તો તેનો ભાવ એક વાનગીઓનો ઓછામાં ઓછો 200 થી 250 રૂપિયા જેટલો થતો હોય છે. હવે જાે આજ વાનગીઓ સાદી રેસ્ટોરન્ટ, લારીઓમાંથી ખરીદવામાં આવે તો અડધા ભાવે મળી જતી હોય છે. આજે મોંઘવારીનાં સતત વધી રહેલા આક્રમણ સામે કોઈપણ વેપારીને ઓછા અને સસ્તા ભાવે વસ્તુઓ વેચવી પોસાય ખરી? આજે સારામાં સારી ભોજન માટેની સામગ્રી બનાવવી હોય તો ગેસનો ઉપયોગ, ઢોસો, પાઉભાજી કે અન્ય વેરાયટી બનાવવા માટેના જુદા જુદા વ્યંજનો, મસાલા વગેરે પણ જાેઈએ. આમ સરવાળે આજે ખાવા માટેની આઈટમોનો ભાવ ઉંચો રાખવો જ પડે, પરંતુ અહીં એવું થતું નથી. આજે બજારમાં ઓછા ભાવે ચીજવસ્તુઓ વેચાઈ રહી છે. ખાવા પીવાની ચીજવસ્તુઓથી લઈ મોટાભાગની ચીજવસ્તુમાં બેફામ ભેળસેળ કરવામાં આવે છે. અને સસ્તો માલ લોકોને પધરાવી દેવામાં આવે છે જે લોકોનાં આરોગ્ય માટે નુકશાનરૂપ છે. જૂનાગઢ શહેરમાં હલકા અને ગુણવત્તા વિનાનાં વેચાતા ખાદ્ય પદાર્થો અને ભેળસેળવાળા પદાર્થોનાં વેચાણ સામે મનપાની ફુડ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


