જૂનાગઢમાં સોનું ગીરવે મુકવાના વિવાદમાં બે શખ્સોનો દંપતિ પર જીવલેણ હુમલો

જૂનાગઢમાં સોનું ગીરવે મુકવાના વિવાદમાં બે શખ્સોનો દંપતિ પર જીવલેણ હુમલો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે થયેલી જૂની અદાવતનું મનદુ:ખ રાખી બે શખ્સોએ યુવાન પર હુમલો કરી ઘરે જઈ ધમકી આપ્યાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના નાની હવેલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહસીનમિયા સલીમમિયા સૈયદે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોહસીનમિયાએ આશરે અઢી મહિના પહેલા પોતાના સાડા છ તોલા વારસાઈ સોનાના દાગીના તેના મિત્ર નિઝામ હિંગોરાને ગીરવે મૂકી પાંચ લાખ રૂપિયા મેળવવા આપ્યા હતા. જોકે, નિઝામે રૂપિયા કે સોનું પરત ન આપતા મોહસીનમિયાએ પોલીસમાં અરજી કરી હતી. આ અરજી દરમિયાન જાણવા મળ્યું હતું કે, સોનું એજાજ સેતા નામના શખ્સ પાસે છે. પોલીસમાં અરજી કરવાને લીધે એજાજનો માસીયાઈ ભાઈ હનીફ ઉર્ફે હનુ જુણેજા મોહસીનમિયા સાથે અદાવત રાખી રહ્યો હતો. દરમ્યાન તા.૨૫ ડિસેમ્બરના રોજ સાંજે મોહસીનમિયા તેના મિત્ર કોશિબ સાથે હર્ષદ નગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગીરીરાજ રોડ પર અમૃત પેલેસ પાસે હનીફ જુણેજાએ તેમને અટકાવ્યા હતા. હનીફે ગાળો આપી કમરમાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. છરીનો ઘા રોકવા જતા મોહસીનમિયાની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ હનીફ "તારા ઘરે જઈને હવે શું કરૂં છું તે તું જોજે" એવી ધમકી આપી નાસી છૂટ્યો હતો. મોહસીનમિયા હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યારે જ તેમના પત્ની અફસાનાબેનનો ફોન આવ્યો હતો. હનીફ જુણેજા અને એજાજ સેતા કુહાડી તથા ફરસી જેવા હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ધમકી આપી હતી કે, "તારા પતિને સમજાવી દેજે, તેમ કહી બાદમાં આરોપીઓએ ફળિયામાં પડેલી મોટરસાઈકલ પર કુહાડીના ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું અને ઘરવખરીની તોડફોડ કરી હતી. આરોપીઓએ મોહસીનમિયાના પત્નીને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે તેમને પણ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં મોહસીનમિયા સલીમમિયા સૈયદએ હનીફ જુણેજા અને એજાજ ઉર્ફે એજુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.