જૂનાગઢમાં સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
ધોરણ ૧૦ અને ૧૨માં સંસ્કૃત વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
જૂનાગઢ, તા. ૨૭
જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણીના બીજા દિવસે આઝાદ ચોક ખાતે આવેલી ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને ગૌરવની ભાવના કેળવવાનો તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત ભાષાના સંવર્ધન અને શિક્ષણનો વ્યાપ વધારવાનો હતો.
આ પ્રસંગે સંસ્કૃત વિષયમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ડો. મૌલિકભાઈ કેલૈયા અને ડો. અજયભાઈ જાદવ, સરકારી વિનયન કોલેજ ભેંસાણના ડો. હાર્દિકભાઈ રાજ્યગુરુ તેમજ સરકારી સંસ્કૃત પાઠશાળા, જૂનાગઢના આચાર્ય જયદેવકુમાર શિશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા.
વક્તાઓએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી કોકિલાબેન ઉંધાડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડાભી દક્ષાબેન દ્વારા સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાનો વિશેષ માહોલ જોવા મળ્યો હતો.


