જૂનાગઢ શહેરના ખામધ્રોળ વિસ્તારમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી

જૂનાગઢ શહેરના ખામધ્રોળ વિસ્તારમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી

જૂનાગઢ તા.12
જૂનાગઢ શહેરમાં આરોગ્ય સેવાનો વિસ્તાર વધારવાના ભાગરૂપે સરકારશ્રી દ્વારા કાળજી લેવામાં આવી રહી છે અને જેને લઈને ખામધ્રોળ વિસ્તારમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી આપવામાં આવી છે. ગઈકાલે મનપા કચેરી ખાતે એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી જેમાં મનપાના કમિશ્નર પ્રભવ જાેષી દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય સંભાળ અને સેવાઓ  સુલભ બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે જુનાગઢ મહાનગર પાલિકાના મેયર ધર્મેશ ડી.પોંશીયા, ડે.મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેર પર્સન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષનાં નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી.
દરમ્યાન ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જૂનાગઢ શહેરના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રની જોગવાઈ અનુસાર, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા માટે આ મોટો ર્નિણય લેવાયો છે. શહેરમાં પહેલાંથી જ 7 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (UPHC) કાર્યરત હતા, જેમાં હવે વધુ 1 નવા કેન્દ્રનો ઉમેરો થતાં કુલ 8 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો થશે. 
આ મંજૂર થયેલા કેન્દ્રના સુચારુ સંચાલન માટે વિવિધ સંવર્ગની નવી જગ્યાઓ ઊભી કરવાનો ર્નિણય લેવાયો છે, આ સરકારી ર્નિણયના પગલે જૂનાગઢના શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવારનું માળખું વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક પરિવારોને પોતાના જ વિસ્તારમાં વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટી વગેરે જેવી બીમારીઓની પ્રાથમિક સારવાર આપવામાં રહેશે., સગર્ભા બહેનો અને બાળકોનું રસીકરણ કરવામાં આવશે., હડકવા વિરોધી રસી આપવામાં આવશે., આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે., સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવશે., બીપી અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન તથા સારવાર આપવામાં આવશે તેમજ સ્વસ્થ જીવનશૈલી માટે પરામર્શ કરવામાં આવશે., ટીબી રોગનું નિદાન અને સારવાર આપવામાં આવશે., લેબોરેટરી દ્વારા પ્રાથમિક લોહી તથા પેશાબની તપાસની સુવિધા ઉપલબ્ધ છે.અને આ તમામ સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે. વધુમાં આ મંજૂર થયેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) દીઠ કુલ 14 કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવશે, જેની ટૂંકી વિગતો નીચે મુજબ છે. કેન્દ્ર ખાતે હંગામી ધોરણે તબીબી અધિકારી, લેબ ટેકનીશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની નિમણૂક કરાશે. આ ઉપરાંત ફીલ્ડ કામગીરી માટે હંગામી ધોરણે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર રાખવામાં આવશે. વહીવટી અને સહાયક સેવાઓ માટે જુનિયર કલાર્ક,પટાવાળા તેમજ આયા બહેનનો સમાવેશ થાય છે. આ તકે જુનાગઢ મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને તબીબી સારવાર અને દવાઓ ખૂબ જ સુલભતાથી ઘરઆંગણે મળી રહેશે.