જૂનાગઢ શહેરમાં આગામી ગુરૂવારે યોજાનારી સનાતન ધર્મની રેલીને રદ્દ કરવા રેન્જ આઈજીને જૈન સમુદાયની રજુઆત
લઘુમતી જૈન સમુદાયની સુરક્ષા માટે તાત્કાલીક પગલા ભરવા માંગણી : ચૂંટણી સબબ હાલમાં જૂનાગઢ શહેર-જીલ્લામાં સભા-સરઘસ બંધી હોય, સનાતન હિન્દુ ધર્મની રેલીને મંજુરી આપવામાં આવશે ? ઉઠતો સવાલ
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તાર ગિરનાર ક્ષેત્ર અત્યારે ધાર્મિક વિવાદનું કેન્દ્ર બની ગયો છે. હિન્દુ ધર્મના સંતો-મહંતો અને સનાતની વિચારધારાના સમર્થકોએ આગામી ગુરૂવારે ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કર્યું છે અને મોટો સંખ્યામાં લોકોને જાેડાવવા આહવાન કર્યું છે. મુળભૂત રીતે ગિરનાર ક્ષેત્રનો વિવાદ સનાતની હિન્દુઓ અને જૈન સમુદાય વચ્ચે છે. ત્યારે આ અંગે જૈન સમાજના વિવિધ ફીરકાઓએ રેન્જ આઈજીને એક આવેદનપત્ર પાઠવીને લઘુમતી જૈન સમુદાયને અસામાજીક તત્વોના ખતરાથી બચાવવા વિનંતી કરી છે. જૈન સમાજના વિવિધ સંપ્રદાયો શ્રી જૂનાગઢ જૈન મુર્તીપૂજક સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢ,
શ્રી લોકાગચ્છ જૈન સંઘ જૂનાગઢના પદાધિકારીઓ અનુક્રમે વી.એ. વસા, હિતેષ સંઘવી અને મનોજ દોશી વગેરે જૈન સમુદાય સંઘના પ્રતિનિધીઓએ રેન્જ આઈજીને આપેલા આવેદનપત્રમાં લઘુમતી જૈન સમુદાયની સુરક્ષા માટે યોગ્ય તાત્કાલીક પગલા ભરવા જણાવ્યું છે. આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે, જૈન સમુદાયને સોફટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. આવા તત્વો અહીં અમારા જેવા (જૈન સમુદાય)ને કે જે અહિંસક નિર્દોષ લઘુમતી સમુદાયને ધમકાવવામાં સફળ થશે તો જૈન સમાજ માટે ખુબ જ ગંભીર સાબિત થશે. તેમજ આ કહેવાતા પરીબળો અંબાજી મંદિરનો અનઅધિકૃત કબ્જાે જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે, આગામી તા.ર૩-૦૪-ર૦ર૬ના રોજ યોજાનાર રેલી અને પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરનાર કેટલાક લોકો સામે ગંભીર ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. તેમનો ભૂતકાળ, વર્તમાન અને વાણી તેમના ખરાબ ઈરાદાના સ્પષ્ટ પુરાવા આપે છે. જેને ધ્યાને લઈ આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે, તાત્કાલીક રીતે આગામી તા.ર૩-૦૪-ર૦ર૬ની રેલી અટકાવવામાં આવે અને આવા અસામાજીક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ જૈન સમાજની વસાહતો, મંદિરો અને ધાર્મિક કાર્યક્રમોની સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ સમગ્ર વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ, સીસીટીવી મોનીટરીંગ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ તેને નિયંત્રણ કરવામાં આવે જૈન સમાજ સાથે બેઠક કરી તેમનો ભય અને ચિંતા દુર કરવામાં આવે તેવી માંગણી કરી છે.
અન્ય એક નિવેદનમાં જણાવેલ છે કે, જૈન સમાજના તમામ ફિરકાઑનુ એક પ્રતિનિધિમંડળ જુનાગઢના આઈ.જી. રાજેન્દ્રસિહ ચુડાસમાને રજુઆત કરવા ગયેલ હતું.
તા.૨૩ ના રોજ હિન્દુ સમાજની રેલી છે પણ આ રેલી પહેલા જે રીતે જૈન સમાજ વિરુધ્ધ ઉશ્કેરણીજનક વિડિયો આવી રહયા છે, તેનાથી જૈન સમાજ ભયભિત છે. જુનાગઢ શહેરમાં આવેલ તમામ જૈન દેરાસર હજારો વરસ જુના છે અને કદાચ કોઈ તોડફોડ પણ કરી શકે છે તેવી સંભાવના છે જૈન સમાજની રજુઆત હતી કે રેલી રદ કરવામાં આવે. પરંતુ રેન્જ આઈ.જી. રાજેન્દ્ર ચુડાસમાએ જૈન સમાજને સાંત્વના આપેલ કે કોઈ પણ જાતની અનિચ્છનિય ઘટના બનશે નહીં.
હજારો નહિ પણ લાખો વરસ થયા જૈન અને હિન્દુ એક સિકકાની બે બાજુ છે પણ અત્યારે જેમની પાસે પદ નથી સત્તા નથી તેવા લોકોનો એક સમુહ સત્તા પ્રાપ્ત કરવા કાવાદાવા કરે છે. તેમની ભાષા ઉપર કંટ્રોલ નથી, ગિરિશભાઇ કોટેચાને ગિરિયો અને હરીગિરિ મહારાજને હરિયો કહિને બોલાવે છે અને જૈન સમાજના ૨૪ તિર્થકર પરમાત્માનો હુરિયો બોલાવે છે અને આવી ભાષાના કારણે કરોડો જૈનોની આસ્થાને ઠેસ પહોચી છે, તેમ જણાવાયું છે.
જૈન સમાજ દ્વારા કરવામાં આવેલી ઉપરોકત રજુઆતમાં સ્થાનક વાસી જૈન સંઘના પ્રમુખ હિતેષભાઇ સંઘવી, મંત્રી વિમલભાઇ શાહ, મંત્રી ધર્મેન્દ્રભાઇ મોદિ, મુર્તિપુજક સંઘના મંત્રી વિરેનભાઇ વસા, ભવ્ય સંઘવી,અમિત સંઘવી , મિતશાહ , લોકાગચ્છ સંઘના ભાવેશભાઇ પટવા, વગેરે ૧૨ જૈન મહાજનોના પ્રતિનિધિ મંડળ દ્વારા રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરવામાં આવી હતી.
દરમ્યાનમાં હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે જૂનાગઢ શહેર જીલ્લામાં પણ સભા-સરઘસ બંધી જાહેર કરવામાં આવી છે. તે સંજાેગોમાં આગામી ગુરૂવારે સનાતન હિન્દુ ઘર્મની રેલીને મંજુરી આપવામાં આવશે કે કેમ ? તે અંગે સવાલ ઉઠી રહ્યો છે.


