જૂનાગઢ શહેરમાં આડેધડ પાર્કિંગનો વ્યાપક ઉપદ્રવ
લોકોએ પણ નાગરીક શીસ્તનું પાલન કરવું જરૂરી છે
જૂનાગઢ તા.18
જૂનાગઢ શહેરમાં રસ્તા ઉપર ગમે ત્યાં વાહન પાર્કિંગ કરી દેવાનાં બનાવો બનતા અટકતા નથી તેમજ રસ્તા ઉપર અચાનક વાહન ઉભુ રાખી દેવાનાં કારણે પણ અકસ્માત સર્જાવાનો ગંભીર ખતરો રહેલો છે. ત્યારે આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરમાં ટ્રાફીક સમસ્યા સતત વધતી જતી હોવાનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે કોઈ અસરકારક પગલા ભરવામાં આવે તેવી લાગણી અને રજુઆતોની ગંભીર નોંધ લઈ પોલીસ તંત્ર દ્વારા થોડા સમય પહેલા જ એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત અગ્રણીઓએ ટ્રાફીક સમસ્યાને લગતી ફરીયાદો રજુ કરી હતી.
આ બેઠકમાં પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા. સુપ્રિમ કોર્ટની માર્ગરેખા અનુસાર ધ્વનિ પ્રદુષણનો મુદો ઉઠાવવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા આ બેઠકમાં ઉપસ્થિત રીક્ષા ચાલકોની સારી કામગીરીની પ્રશંસા પણ કરી હતી અને સાથેજ નિર્દેશ પણ આપ્યો હતો કે શહેરમાં ફરતી પેસેન્જર રીક્ષાનાં ચાલકો, અન્ય વાહન ચાલકો જે ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરે છે તે ચલાવી લેવામાં આવશે નહીં અને જાે કોઈ ટ્રાફીકના નિયમોનો ભંગ કરશે તો કડક પગલા લેવામાં આવશે અને એક અઠવાડીયા સુધી આ અંગે ખાસ ડ્રાઈવ પણ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજી નિયમોનો ભંગ કરનારા સામે કડક પગલા લઈ દંડાત્મક કામગીરી કરવામાં આવી હતી. આ ડ્રાઈવની કામગીરી પુર્ણ થતાજ આજે ફરી એકવાર પહેલા જેવી જ સ્થિતી સર્જાણી છે. રસ્તા ઉપર જયાં જગ્યા મળે ત્યાં આડેધડ પાર્કિંગ કરવા, વાહન ચાલકને કોઈનો ફોન આવે તો રસ્તા ઉપર અચાનક ઉભુ રાખી મોબાઈલમાં વાત કરવી, ખાનગી વાહન ચાલકો, કેટલીક પેેસેન્જર રીક્ષા ચાલકો રસ્તા પરથી પેસેન્જર લેવા કે ઉતારવા માટે અચાનક વાહન ઉભુ રાખવું અને જાેઈ કોઈ આ અંગે કંઈ કહે તો માથાકુટ કરવી જેવા બનાવો સતત બની રહયા છે. આ ઉપરાંત ધ્વની પ્રદુષણનાં પ્રશ્ને પણ એટલીજ ફરીયાદો રહેલી છે. જેમાં રાત્રીના 10.30 કલાક પછી મંજુરી વિના સાઉન્ડ વગાડી ન શકાય પરંતુ આ નિયમનો સરેઆમ ભંગ થઈ રહયો છે. શહેરનાં રસ્તા ઉપર દોડતા કેટલાક વાહનોમાં જાેરશોરથી ગીતોના ગુંજારવ થઈ રહયા છે. તેમજ વિવિધ વિસ્તારોમાં પણ મોડી રાત્રે સ્ટીરીયો સહીતના ઉપકરણો દ્વારા ઘોંઘાટભર્યા સંગીતના સુરો, ગીતો વગાડી ધ્વનિ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની વ્યાપક ફરીયાદો રહેલી છે. આ અંગે પોલીસ વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તેવી આમ જનતાની માંગણી છે.


