જૂનાગઢ શહેરમાં મોબાઈલનાં ૬ વેપારીઓને પોલીસે ઢોર માર માર્યો : ગુપ્ત ભાગે ઈલેકટ્રીક શોક આપ્યા : મોબાઈલનાં વેપારીઓમાં ભારે રોષ : એમજી રોડ સજજડ બંધ
જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ શહેરમાં ગઈકાલે બનેલા એક બનાવમાં મોબાઈલની દુકાન ધરાવતા ૬ વેપારીઓને તેમનાં ઘરે અને દુકાનેથી રાત્રીનાં પોલીસે ઉઠાવી જઈ અને ઢોર માર માર્યાનાં બનાવનાં પગલે વેપારી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જીલ્લા પોલીસ વડાને ઉપરોકત બનાવ અંગે રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ આ લખાય છે ત્યાં સુધીમાં કોઈ જાતની કાર્યવાહી થઈ નથી. અને પોલીસનાં દમન સામે એમજી રોડનાં વેપારીઓએ બંધ પાડી અને વિરોધ દર્શાવ્યો છે.
જૂનાગઢ શહેરમાં મોબાઈલની દુકાન ધરાવતા વેપારીઓને અડધી રાત્રે ઉઠાવી જઈ અને ક્રાઈમ બ્રાંચ પોલીસે કરેલા દમનને પગલે ભારે રોષ વ્યાપી ગયો છે. આ બનાવ અંગે ભોગ બનનાર વેપારીઓનાં જણાવ્યા અનુસાર પ્રજેશ લાખાણી, અજય દુબે, મીત કારીયા, કપીલ સોનીગ્રા સહીતનાં આ ૬ મોબાઈલની દુકાનનાં વેપારીઓમાંથી બેને જયશ્રી રોડ ઉપરથી અને બે વેપારીને તેમનાં ઘરેથી રાત્રીનાં પોલીસ ઉઠાવી ગયેલ. તેમજ તેમની પુછપરછ કરવામાં આવી હતી. અને ખાસ કરીને તમારી પાસે ઈન્ટરનેશનલ મોબાઈલ અને તેનું નેટવર્ક અંગેની પુછપરછ કરી અને આવા મોબાઈલ કાઢી આપવા આકરી પુછપરછ કરી હતી. દરમ્યાન આ વેપારીઓએ પોલીસને જણાવેલ કે અમારી પાસે ઈન્ટરનેશનલ કોઈ મોબાઈલ છે જ નહી. જેને લઈને ગુસ્સે ભરાયેલા પોલીસે આ વેપારીઓને આડેધડ માર મારી થપ્પડ અને ઝાપટોનો વરસાદ વરસાવ્યો તેમજ કપડા પણ ઉતરાવી અને ગુપ્ત ભાગે ઈલેકટ્રીક શોક પણ આપ્યાનો બનાવ બન્યો છે. બેરહમીથી અસહય ઢોર માર મારવાનાં પગલે આ ચારેય વેપારીઓ ઈજાગ્રસ્ત બનતા તાત્કાલીક સારવાર માટે દાખલ થઈ ગયા છે. તેમજ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની રજુઆત જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાને પણ કરવામાં આવી છે. અને હજુ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી તેમ વેપારીઓએ જણાવ્યું હતું. જૂનાગઢમાં મોબાઈલની દુકાન ધરાવતા આ નિર્દોષ વેપારીઓ ઉપર ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો દમન વિંજાતા તેનાં વિરોધમાં સમગ્ર વેપારીઓમાં આક્રોશ અને ભારે રોષ વ્યાપી ગયો છે. તેઓને જે ખોટી રીતે માર મારવામાં આવ્યો છે તેમજ અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ત્યારે જવાબદાર સામે કડક પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે. દરમ્યાન આ લખાય છે ત્યારે એમજી રોડ ઉપરની દુકાનો સજજડ બંધ છે. તેમજ જરૂર પડયે જૂનાગઢ મોબાઈલ રીટેલ અને હોલસેલ એસો. દ્વારા પોલીસનાં અત્યાચાર સામે સમગ્ર ગુજરાતનાં મોબાઈલની દુકાન ઘારકો દ્વારા બંધ પાડવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.



