જૂનાગઢ શહેરમાં રાયજીબાગ સ્થિત ટ્રાન્સગ્લોબ સ્ટડી સેન્ટરમાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું : પ્રેમપ્રકરણ હોવાની ચર્ચા

જૂનાગઢ શહેરમાં રાયજીબાગ સ્થિત ટ્રાન્સગ્લોબ સ્ટડી સેન્ટરમાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું : પ્રેમપ્રકરણ હોવાની ચર્ચા

જૂનાગઢ તા. પ
જૂનાગઢમાં મોતીબાગ રાયજીબાગ શોપિંગ સેન્ટરનાં બીજા માળે આવેલા ટ્રાન્સગ્લોબ સ્ટડી સેન્ટરમાં યુવકે આત્મવિલોપન કર્યાના બનાવથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. રાત્રે થયેલા બનાવ બાદ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ યુવક ભડથું થઈ ગયો હતો. યુવકના મૃત્યુનું કારણ જાણવા સી ડિવિઝન પોલીસે  ક્લાસીસ સંચાલક તથા કર્મચારીઓની પૂછપરછ તથા સીસીટીવી ફૂટેજ મેળવવા વધુ પૂછપરછ હાથ ધરી છે. 
જૂનાગઢમાં  મોતીબાગ વિસ્તારમાં રાયજીબાગ શોપિંગ સેન્ટરમાં બીજા માળે આવેલ  ટ્રાન્સ ગ્લોબ કંપની‘ટીચિંગ સેન્ટરમાં ગતરાત્રે પ્રેમ પ્રકરણમાં જાબીર કાદરી (ઉ.વ૩૨) રહે (ઢાલ રોડ નથુકૃપા ડેલા) નામના યુવકે શરીરે પેટ્રોલ છાટી આગ ચાપી અગ્નિ સ્નાન કર્યું હતું. યુવકે આત્મવિલોપન કર્યું તે સમયે સ્ટડી સેન્ટરમા મહિલા પણ હતી. અને યુવકના આ પગલાથી ઘટના સ્થળે લોકોએ દોડધામ અને બૂમાબૂમ કરી હતી. બનાવના પગલે આસપાસના યુવકોએ અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પૂર્વે યુવક ગંભીર રીતે દાઝીને ભઙથુ થઈ ગયો હતો. બનાવને લઈ ફાયર અને સી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્ટડી સેન્ટરમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા હતા જેથી  કોમ્પલેક્ષ આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. શોપિંગ સેન્ટરમાં આવેલ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતા યુવકના પિતા સ્થળ પર પહોંચ્યા હતા અને પુત્રના મોતના સમાચારની જાણ થતા  ગમગીન થયા હતા. સી ડિવિઝન પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલે યુવકના પીએમની કાર્યવાહી કરી હતી.સી ડિવિઝન પોલીસમાં યુવકના પિતા ગુલામભાઈ કાદરીએ તેના પુત્ર જાબીરે અગમ્ય કારણોસર પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કર્યાનું જાહેર કર્યું છે. પોલીસ દ્વારા કમકમાટી ભર્યા મોતના બનાવમાં  સ્ટડી સેન્ટરના સંચાલકો, કર્મચારીઓ તથા આસપાસના વેપારીઓની પૂછપરછ તથા  સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.