જામનગરનો ૧૭૪ વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર
જામનગર, તા.૧૯
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને ૧૯ માર્ચ ૨૦૨૬થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ ૨૦૦૧ના ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૨૫ કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન અને રિ-પ્રોડક્શનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભુજિયા કોઠાના વારસાને તેના ઐતિહાસિક ગૌરવ સાથે પ્રસ્થાપિત કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સાથે સંકલનમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેના ફેઝ-૧નું લોકાર્પણ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભુજિયા કોઠાનું નિર્માણકાર્ય ૧૮૩૯થી ૧૮૫૨ દરમિયાન કરવામાં આવ્યુ હતું. તે સમયે આ ઇમારતનો ઉપયોગ સુરક્ષા અને સંદેશાવ્યવહાર માટે થતો હતો. વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપથી આ ઇમારતને ક્ષતિ પહોંચી હતી. ભુજીયા કોઠાનું સ્થાપત્ય, કલાત્મક બારી, ખડકી,ઝરુ્ખા અને રંગમંડપને સદીઓ જૂની પરંપરાગત તકનીકો અનુસાર અથાગ પ્રયાસ દ્વારા ઐતિહાસિક સ્વરૂપ આપવામાં સફળતા મળી છે. આ ભવ્ય ઇમારત તેના મૂળ સ્વરૂપમાં આકાર લઇ શકે તેથી રિસ્ટોરેશન કાર્યમાં ચૂનો, ગુગળ, મુલતાની માટી, ગોખરૂ, અરીઠા, સિંદૂર સહિતની કુદરતી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હેરિટેજ ચેઇનથી જામનગરના વારસાનું સંરક્ષણ જામનગરના હેરિટેજ વારસાને સંરક્ષિત કરવા માટે આ કામગીરીના ફેઝ ૨માં ખંભાળીયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ વચ્ચેના લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જાેડવામાં આવી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં આ તમામ ઐતિહાસિક સ્થળોએ એક જ એન્ટ્રી પોઇન્ટથી જઇ શકાશે અને તેના માટેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.


