દ્વારકાધીશ હોટલનાં સંચાલક પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓનું રીકન્સ્ટ્રકશન કરાયું

નિલેશને કોલીખડા ગામની હોટલે આવવા દેવાના મનદુ:ખે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો : ઉદ્યોગનગર પોલીસે ગણત્રીની કલાકોમાં ઝડપી પાડયા

દ્વારકાધીશ હોટલનાં સંચાલક પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓનું રીકન્સ્ટ્રકશન કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.11
પોરબંદરના કોલીખડા ગામની દ્વારકાધીશ હોટલના સંચાલક અને અન્ય બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય આરોપીને ઉદ્યોગ નગર પોલીસે ગણત્રીની કલાક ત્રણેય આરોપીઓને પકડી પાડી પોલીસે ઘટના સ્થળે લઈ જઈને  રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફાઇલ દ્વારા જાણવા મળેલ વિગત મુજબ પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલ ધ ગ્રાન્ડ દ્વારકાધીશ હોટલના સંચાલક પર તલવાર, ધારીયો અને લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. હુમલામાં હોટલ સંચાલકને માથામાં ગંભીર ઇજા પહોંચતા સાત જેટલા ટાંકા લેવા પડયા હતા, જ્યારે તેમની સાથે રહેલા કર્મચારીને પણ માથામાં ઇજા પહોંચી હતી. પોલીસે ત્રણ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ, કોલીખડા વિસ્તારમાં રહેતા અને ધ ગ્રાન્ડ દ્વારકાધીશ હોટલ ચલાવતા હરીશ ઉર્ફે હેરી મેરામણભાઈ બાપોદરા ગત રાત્રે તેમના કર્મચારી રાજુ મોઢવાડિયા સાથે ફોરવ્હીલ વાહનમાં ઘરે જઈ રહ્યા હતા. રાત્રે આશરે ૨.૧૫ વાગ્યે પ્રતાપ ઉર્ફે ચોટલી માલદેભાઈ મોઢવાડિયાની વાડી પાસે પહોંચતા ત્રણ શખ્સો પ્રાણઘાતક હથિયારો સાથે ઉભેલા જોવા મળ્યા હતા. આરોપીઓએ હરીશ બાપોદરાને “નિલેશને હોટલે કેમ આવવા દે છે?” તે બાબતે તકરાર શરૂ કરી હતી. વાતચીત ઉગ્ર બનતાં આરોપી પ્રતાપ ઉર્ફે ચોટલીએ તલવાર વડે હરીશના માથાના ડાબા ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઇજા થઈ અને લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ રાજશી ઘેલાભાઈ ઓડેદરાએ ધારીયાના ઊંધા ઘા વડે તેમના ડાબા હાથના કાંડા પર ઇજા પહોંચાડી હતી. બચાવ માટે વચ્ચે પડેલા રાજુ મોઢવાડિયાને માલદે રાજશીભાઈ મોઢવાડિયાએ લાકડી વડે માથામાં ફટકો માર્યો હતો. હુમલાખોરોએ બંનેને આડેધડ માર માર્યો હતો તેમજ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં હરીશ બાપોદરાએ તેમના ભાઈને જાણ કરતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ રાણાવાવનો નિલેશ તેમની હોટલે અવારનવાર આવતો હોવાથી આરોપી પ્રતાપ ઉર્ફે ચોટલી મનદુ:ખ રાખતો હતો અને એ જ કારણસર હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ઉદ્યોગનગર પોલીસે ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં હુમલો કરનાર ત્રણેય આરોપીઓ માં પ્રતાપ ઉર્ફે ચોટલી માલદેભાઈ મોઢવાડિયા, રાજશી ઘેલાભાઈ ઓડેદરા અને માલદે રાજશીભાઈ મોઢવાડિયા સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 118(1), 118(2), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે. અને પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.