‘પદ્માવત’ અંગેના નિવેદન બાદ સ્વરા ભાસ્કરને ધમકીનો દાવો, કરણી સેનાના પદાધિકારીઓએ માફીની કરી માંગ

જૌહર અંગે સ્વરાની ટિપ્પણીનો કરણી સેનાએ કર્યો વિરોધ; મુંબઈ પ્રમુખ સુરજીત સિંહ રાઠોડના કથિત હિંસક નિવેદનથી વિવાદ વધુ વકર્યો

‘પદ્માવત’ અંગેના નિવેદન બાદ સ્વરા ભાસ્કરને ધમકીનો દાવો, કરણી સેનાના પદાધિકારીઓએ માફીની કરી માંગ

મુંબઈ, તા.ર
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના વર્ષ ૨૦૧૮ની ફિલ્મ ‘પદ્માવત’ અને તેમાં દર્શાવવામાં આવેલા જૌહરના દૃશ્ય અંગેના નિવેદનને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. સ્વરાએ જૌહરના દૃશ્ય સામે પોતાનો વાંધો વ્યક્ત કરતાં જાતીય હિંસાનો અનુભવ કરી ચૂકેલી મહિલાઓ પર આવા દૃશ્યોની સંભવિત અસર અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પક્ષ અને વિરોધમાં ચર્ચા શરૂ થઈ છે.
આ વિવાદ વચ્ચે કરણી સેનાના કેટલાક પદાધિકારીઓ તરફથી સ્વરા ભાસ્કર વિરુદ્ધ વાંધાજનક અને ધમકીભર્યા નિવેદનો આપવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સંગઠનના પદાધિકારીઓએ સ્વરાના નિવેદનનો વિરોધ કરીને તેની પાસે જાહેરમાં માફીની માંગ કરી છે.
કરણી સેનાની મહિલા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ કીર્તિ રાઠોડે સ્વરાને પોતાની ભાષા સુધારવાની સલાહ આપતાં કહ્યું હતું કે સનાતન ધર્મ અને રાજપૂત મહિલાઓના બલિદાન અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તેમના જણાવ્યા પ્રમાણે જૌહર અંગે કોઈ સવાલ ઉઠાવવો હોય તો તે સમયના ઇતિહાસ, પરિસ્થિતિ અને તથ્યોને ધ્યાનમાં રાખીને ચર્ચા થવી જોઈએ.
કીર્તિ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે કરણી સેના સ્વરા ભાસ્કરના આવા નિવેદનોનો વિરોધ કરે છે. આ સાથે સ્વરા સામે ચહેરો કાળો કરવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ અહેવાલ છે.
વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે કરણી સેનાના મુંબઈ પ્રમુખ સુરજીત સિંહ રાઠોડ તરફથી સ્વરા ભાસ્કર સામે કથિત રીતે હિંસક ધમકી આપવામાં આવી. અહેવાલ મુજબ તેમણે સ્વરા પર રાજસ્થાનની મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવી જાહેર માફીની માંગ કરી હતી અને તેના ઘરમાં ઘૂસીને હુમલો કરવાની ધમકી પણ આપી હતી.
આ પ્રકારના કથિત ધમકીભર્યા નિવેદનો બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જોકે, સમગ્ર વિવાદ અને ધમકીના અહેવાલો અંગે સ્વરા ભાસ્કર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.