પોરબંદર મહાનગર પાલિકા તંત્ર સુધરવાનું નામ લેતું નથી! ઓડદર ગૌશાળામાં પશુઓની હાલત પર ફરી નોટિસ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩૦
પોરબંદર નજીક આવેલા ઓડદર ગામની મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં પશુઓ માટે પૂરતી સુવિધાઓ હોવાનો દાવો ફરી એકવાર પ્રશ્નચિહ્ન હેઠળ આવ્યો છે. એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને વધુ એક નોટિસ પાઠવી તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય હેમલ મહેતાએ પાઠવેલી નોટિસમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે ગૌશાળામાં ક્ષમતા કરતાં વધારે પશુઓ રાખવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારે ભીડ, ખોરાક અને સ્વચ્છ પાણીની અછત તેમજ અસ્વચ્છ પરિસ્થિતિ સર્જાઈ છે. આશ્રયની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે.
નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિઓ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ તેમજ અન્ય કાનૂની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આશરે ૯૦૦ નંદીઓને ખુલ્લા મેદાનમાં શેડ વિના રાખવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનિમલ વેલ્ફેર બોર્ડે તાત્કાલિક પગલાં તરીકે પશુઓની સંખ્યા નિયંત્રિત કરવી, પૂરતો ખોરાક અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવું, યોગ્ય આશ્રય અને પશુચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા સમગ્ર વ્યવસ્થામાં પારદશિર્તા લાવવા સૂચનાઓ આપી છે. અન્યથા આ મામલો ઉચ્ચ સ્તરે લઈ જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

પ્રવેશ માટે પરમિશન ફરજિયાત : જીવદયા પ્રેમીઓમાં રોષ
ગૌશાળામાં પ્રવેશ માટે કમિશ્નર અથવા ઉચ્ચ અધિકારીની મંજૂરી લેવાની શરત લાગુ કરાતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. જીવદયા ગ્રુપના કાર્યકરો લીલુબેન ભુતિયા અને રમેશભાઈ ઓડેદરાએ કમિશ્નરને મળીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ગૌશાળા સાર્વજનિક સ્થળ છે અને કોઈપણ વ્યક્તિને ત્યાં જવાની મંજૂરી હોવી જોઈએ. આ પ્રકારના “ઘરેલુ નિયમો” સ્વીકાર્ય નથી. કાર્યકરોએ ગૌશાળાના સંચાલનમાં નિમણૂક કરાયેલા કર્મચારીની લાયકાત અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને સમગ્ર પ્રકરણમાં બેદરકારી તથા ગેરવ્યવસ્થા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.
“પરમિશન નહીં લઈએ” કાર્યકરોની ચેતવણી
અધિકારીઓ દ્વારા “અનધિકૃત તત્વોને રોકવા”ના કારણસર પરમિશન સિસ્ટમ લાગુ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ જીવદયા પ્રેમીઓએ આ દલીલને ફગાવી દીધી છે. કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર ગૌશાળાની મુલાકાત લેશે અને પશુઓના હિત માટે લડત ચાલુ રાખશે.


