બ્લેક મન્ડે : સોનુ, ચાંદી, રૂપિયો, શેરબજાર ધડામ : ક્રુડ ઓઈલ સળગ્યું
મુંબઈ શેરબજારના સેન્સેકસમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો : રૂપિયાએ ૯૩.૯રની નવી નીચી સપાટી બનાવી : ચાંદીમાં રૂા.૧૩૦૦૦ અને સોનામાં રૂા.૭૦૦૦નો ઘટાડો
(એજન્સી)
મુંબઈ, તા.૨૩
મધ્ય પૂર્વમાં વધુને વધુ ભયાનક બની રહેલા યુધ્ધને કારણે શેરબજારથી માંડીને કરન્સી સોના-ચાંદી, ક્રુડ સહિતના માર્કેટમાં ગંભીર અસર વધુ તીવ્ર બનવા લાગી હોય તેમ આજે વધુ કડાકા સર્જાયા હતા. સેન્સેક્સ પ્રારંભીક કામકાજમાં ૧૮૦૦ પોઇન્ટ ગગડ્યો હતો. ડોલર સામે રૂપિયો ૯૪ના માર્ગે હોય તેમ ૯૩.૯૨ના સ્તરે પહોંચી ગયો હતો. ક્રુડ ૧૧૩ ડોલર હતું જ્યારે સોના-ચાંદીમાં વધુ કડાકા સર્જાયા હતા.
અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઇરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે જે આજે પૂર્ણ થઇ રહ્યું છે તે પૂર્વે ઇરાને વળતી ધમકી આપીને એવી ચેતવણી આપી છે કે અમેરિકા કોઇ હુમલો કરશે તો હોર્મુટ સ્ટ્રેટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ઇઝરાયેલે ઇરાનના રહેણાંક વિસ્તારોમાં હુમલા ચાલુ કરતાં તેનો પણ ગભરાટ હતો. વિદેશી નાણાં સંસ્થાઓની જંગી વેચવાલી માર્કેટ માટે નવા કોઇ પોઝીટીવ કારણોની ગેરહાજરી, કોર્પોરેટ જગત પર પણ ગેસ સહિતના કારણે તીવ્ર અસર વર્તાવાનું શરુ થયાના સંકેત સહિતના કારણોસર માર્કેટ સડસડાટ કરતું નીચું ઉતરતું રહયું હતું. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ મામલે આજે હાકલા-પડકારા થયા હોવાથી આજનો દિવસ નિર્ણાયક સાબિત થઇ શકે તેમ હોવાના કારણે માર્કેટમાં અસર વધુ ગંભીર હોવાનું જણાઇ રહ્યું છે. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ૧૮૦૦ પોઇન્ટના કડાકાથી ૭૨૭૩૨ થયો હતો, જે ઉંચામાં ૭૩૭૩૨ તથા નીચામાં ૭૨૬૯૦ થયો હતો. નીફટી ૫૮૨ પોઇન્ટના ગાબડાથી ૨૨૫૪૮ હતો જે ઉંચામાં ૨૨૮૫૧ તથા નીચામાં ૨૨૫૨૯ હતો. બીજી તરફ સોના-ચાંદીમાં પણ જોરદાર કડાકા સર્જાયા હતા. પ્રારંભીક કામકાજમાં સોનુ ૩ ટકા ગગડી ગયું હતું અને વિશ્ર્વ બજારમાં ૧૨૦ ડોલરના ઘટાડાથી ૪૩૬૮ ડોલર સાંપડ્યું હતું. સોનુ વાયદામાં ૬૭૦૦ રૂપિયા ઘટીને ૧૩૭૮૦૦ હતું. ચાંદી ૧૨૫૦૦ ઘટીને ૨૧૪૨૦૦ હતું જે નીચામાં ૨૧૧૭૩૦ થઇ હતી. કરન્સી માર્કેટમાં પણ દબાણ ચાલુ જ રહ્યું છે અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો વધુ ૨૦ પૈસાના કડાકાથી ૯૩.૯૨ સાંપડ્યો હતો. નબળા રૂપિયાના કારણે ભારતને મોંઘવારી મોરચે પણ મોટો માર પડવાની આશંકા વ્યકત થઇ રહી છે. ક્રુડ તેલમાં તેજી ચાલુ હતી. ડબલ્યુટીઆઇ ક્રુડ ૯૮.૮૭ ડોલર તથા બ્રેન્ટ ક્રુડ ૧૨.૭૧ ડોલર સાંપડ્યું હતું.


