ભાજપનાં અગ્રણી તુષાર સોજીત્રા અને મુન્ના ઓડેદરા પર ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોનો હુમલો : ગંભીર ઈજાગ્રસ્ત
જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાએ હુમલો કરાવ્યો હોવાનો તુષાર સોજીત્રાનો સનસનીખેજ આક્ષેપ : સમગ્ર શહેર અને ભાજપમાં ખળભળાટ
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેરમાં આજે તળાવ દરવાજા વિસ્તારમાં બપોરે ૩.૩૦ કલાકે બનેલી ઘટનામાં ભાજપનાં આગેવાન તુષાર સોજીત્રા અને મુન્ના ઉર્ફે નરેન્દ્ર ઓડેદરાને ધોળા દિવસે જાહેરમાં માર મારવાની અને ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના બનતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાક્રમમાં અત્યંત ચર્ચાસ્પદ બાબત એ બની છે કે, તુષાર સોજીત્રાએ તેમના પર થયેલા હુમલા માટે જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને તેમના મળતીયાઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ભાજપમાં અને સમગ્ર શહેરમાં સન્નાટો મચી ગયો છે. આ અંગે તુષાર સોજીત્રાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તુષાર સોજીત્રા એવું સ્પષ્ટ કહી રહયા છે કે, જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ તેમના પર આ હુમલો કરાવ્યો છે. તુષારભાઈ સોજીત્રાનાં જણાવ્યા મુજબ આજે બપોરે તેઓ અને મુન્ના ઓડેદરા તળાવ દરવાજા ખાતે આવેલ ધી વેરાવળ પીપલ્સ કો. ઓપરેટીવ બેંક પાસે કારમાં જઈ રહયા હતા ત્યારે અચાનક ત્રણ બુકાનીધારી શખ્સો મોટર સાયકલ ઉપર ધસી આવ્યા હતા અને કારને અટકાવી મુન્ના ઓડેદરાને બહાર કાઢી તેમના પર પાઈપ વડે હુમલો કરી દીધો હતો આ હુમલાથી ગભરાઈ ગયેલા મુન્ના ઓડેદરા વેરાવળ પીપલ્સ કો. બેંકમાં જીવ બચાવવા માટે દોડી ગયા હતા. ત્યારબાદ ત્રણ બુકાનીધારી હુમલાખોરોએ તુષાર સોજીત્રા કારમાં જે બાજુ બેઠા હતા તે કારનો કાચ તોડી નાખ્યો હતો અને તુષાર સોજીત્રાને કારમાંથી બહાર કાઢી તેમને માર મારવાનુ શરૂ કરી દીધું હતું અને ગંભીર ઈજા પહોચાડી હતી. માર મારતી વખતે બુકાનીધારી હુમલોખોરો એવું કહેતા હતા કે તું હમણા સોશિયલ મીડીયામાં બહુ મેસેજ મુકે છે. આજે તો તને પતાવી જ દેવો છે.
તુષાર સોજીત્રાને હુમલાખોરોએ પાઈપ વડે આડેધડ માર મારતા તુષાર સોજીત્રાને ગંભીર ઈજા પહોંચી છે અને તેમને તત્કાલ જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. સિવિલ હોસ્પીટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં પત્રકારો સાથે વાતચીત કરતા તુષાર સોજીત્રાએ મીડીયા સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તુષાર સોજીત્રાએ વધુમાં એવો પણ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં બંગાળની ચૂંટણીમાં ધારાસભ્યો સંજય કોરડીયા સહિતનાં કાર્યકરો ભાજપનાં પ્રચાર માટે પ.બંગાળ ગયા હતા ત્યારે એક હોટલમાં જયાં તેઓ રોકાયા હતા ત્યાં બંગાળ પોલીસે રેડ કરી હતી અને ધારાસભ્ય દરજજાની વ્યકિત હોય બંગાળ પોલીસે તેમની સામે કોઈ પગલા ભર્યા ન હતા પરંતુ કાર્યકરો ફસાઈ ગયા હતા. આ બનાવ અંગે તુષાર સોજીત્રાએ વોટસએપ ગ્રુપમાં મેસેજ મુકવાનુ શરૂ કરી દીધુ હતું જેમાં રાની બજાર નામની કોલકતાનાં બદનામ વિસ્તારનો ઉલ્લેખ કર્યો છે આમ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ કોલકતાનું રાની બજાર પ્રકરણ મુખ્ય મુદો હોય તેવું જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહયું છે. તુષાર સોજીત્રાએ વોટસએપમાં મુકેલા મેસેજથી ભાજપનાં વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને જેના સંદર્ભમાં તેમના ઉપર આજે બપોરે જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાએ હુમલો કરાવ્યો હોવાનું તેઓ સ્પષ્ટ જણાવી રહયા છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનો સંપર્ક કરતા તેમણે એવું કહયું કે, મને તો આવી બાબતની કોઈ ખબર જ નથી, સંજયભાઈ કોરડીયાએ સમગ્ર ઘટનાથી પોતે તદન અજાણ હોવાનું જણાવ્યું હતું. આમ તુષાર સોજીત્રાએ કરેલા આક્ષેપો, કોલકત્તાનું રાનીબજાર પ્રકરણ, કોન્ટ્રાકટરનાં કામોનું કૌભાંડ વગેરે બાબતોનો તુષાર સોજીત્રાએ તમેના વોટસએપ મેસેજમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે આ બાબતે અત્યંત ગંભીર પ્રત્યાઘાતો સર્જાવાની સંભાવના છે. પ્રદેશકક્ષાએ પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું ભાજપનાં જાણકાર વર્તુળો જણાવી રહયા છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસ થાય ત્યારે સત્ય બહાર આવશે કે કેમ ? કારણ કે આ બનાવમાં ખુદ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો થયા હોય ત્યારે પોલીસ કેટલી તટસ્થતાથી કામગીરી કરી શકે ? તે પણ એક સવાલ છે. ભાજપનાં સામાન્ય કાર્યકર સામે પણ જયારે પોલીસ કોઈ કાર્યવાહી કરી શકતી ન હોય ત્યારે આમા તો ભાજપનાં સીટીંગ ધારાસભ્યનું નામ આવયું છે ત્યારે પોલીસના હાથ બંધાઈ જાય તેવી શકયતા નકારી શકાતી નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે. જે હોય તે આ સમગ્ર ઘટનાક્રમનું સત્ય શું છે તેના રહસ્ય પરથી પડદો ઉંચકાશે કે કેમ ? તે જાેવાનું રહયું.....


