ભાણવડના ભરતપુરમાં શોકમગ્ન પરિવાર વચ્ચે મધરાતે નીકળ્યો અજગર : સંસ્થાની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યુ

ભાણવડના ભરતપુરમાં શોકમગ્ન પરિવાર વચ્ચે મધરાતે નીકળ્યો અજગર : સંસ્થાની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યુ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૧
ભાણવડ તાલુકાના ભરતપુર ગામ નજીક આવેલી એક વાડીમાં રાત્રિના સમયે એક અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. મહત્વની બાબત તો એ છે કે અહીં થોડા દિવસો પહેલા એક મરણ પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો અને સંબંધીઓની હાજરી વધુ હતી. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ સમયે વાડી માલિકે તુરંત ભાણવડના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. ટીમ પહોંચે તે પહેલા અજગર રહેણાંક મકાન પાસેના વૃક્ષ પર ચડી ગયો હતો. અશોકભાઈ ભટ્ટ અને વિજયભાઈ ખૂંટીએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ કામગીરીમાં મેરામણભાઈ ભરવાડ અને અક્ષય સૂચક પણ જોડાયા હતા. રેસ્ક્યુ બાદ આ અજગરને તેના કુદરતી આવાસ બરડા ડુંગરમાં સલામત રીતે મુક્ત કરવામાં આવતા વાડી માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.