માંગરોળમાં દિપડાઓનો કહેર યથાવત, દેડવાવ વિસ્તારમાં બે બકરાનું મારણ કર્યું
થોડા દિવસ પહેલા મીઠીવાવ વિસ્તારમાંથી ખુંખાર દિપડો પાંજરે પૂરાયો હતો ત્યા બીજાે બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ
માંગરોળ, તા.27
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છેલ્લા ઘણા સમયથી દિપડાઓનો જાણે રાફડો ફાટયો હોય તેવું જણાય આવે છે. પંથકના શહેરી અને ગ્રામ્ય રહેણાંક વિસ્તારોમાં દિવસેને દિવસે દિપડાઓના આટાફેરા અને પાલતુ પશુઓના મારણ કરવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમા ભય ફેલાયો છે. અને માનવ જીવન પણ જાેખમમાં મુકાઈ ગયું છે. એક તરફ વનવિભાગની બેદરકારી અને વન્ય પ્રાણીઓની ખાણીપીણીની અસુવિધાઓના પરિણામે સિંહ દિપડા જેવા હીંસક પ્રાણીઓ માનવ વસાહત તરફ પગપેસારો કરતા લોકોમા ભયની સાથે રોષ જાેવા મળી રહ્યો છે. માંગરોળ શહેરના દેડવાવ જેવા રહેણાંક વિસ્તારમાં આજે એક દિપડાએ એક મકાનના ઢાળીયામ ઘૂસી બે બકરાનું મારણ કર્યુ હતું. જ્યારે અન્ય એક બકરાના બચ્ચાને ઉઠાવી જતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને લઈને લોકોમા વનવિભાગ પ્રત્યે ભારે રોષ જાેવા મળી રહ્યો છે અનેક ફોન કરવા પછી વનકર્મીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘાંચી સમાજના આગેવાનો ફારૂકભાઈ હકીમ અને અબુબકરભાઈ કાલવાત તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે વન વિભાગને તુરંત પાંજરૂ મુકવાની, દીપડાને પકડવા માટે અસરકારક કાર્યવાહી કરવાની તેમજ વિસ્તારના લોકો અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. તેમજ વન વિભાગ દ્વારા પશુપાલકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર વહેલી તકે ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા મીઠીવાવ જેવા રહેણાંક વિસ્તારમાંથી એક ખૂંખાર દિપડાને પાંજરે પૂરી અમરાપુર મોકલવામાં આવેલ. ગત રાત્રિના શેપા વિસ્તારમાં એક દિપડાએ દેખા દાધી હતી. આખરે માંગરોળ તાલુકામાં માનવ જીવન માટે જાેખમરૂપ કેટલા દિપડાઓ બેફામ રખડે છે તેની ખરી માહીતી વનવિભાગ પાસે છે કે કેમ? તેવા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે.


