મનાલી નજીક ભાવનગરના સિંધી પરિવારની કાર ખાઈમાં ખાબકી : 6ના મોત
ભાવનગર તા.11
ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકો સાથેની કાર હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના ૫ાંચ લોકોનાં મોત થયા છે. જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. એક જ પરિવારના દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે 3.30 થી 4 વાગ્યા દરમિયાન પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇનોવા ક્રિસ્ટા કારમાં ગુજરાતના પ્રવાસીઓ મનાલીથી ડેલહાઉસી જઈ રહ્યા હતા. અકસ્માત સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો.


