લાખોના રેલીંગ વગરના રિલાયન્સ ફુવારામાં શ્વાન ફસાયું અબોલ જીવને ઈજા, પાલિકાના કામને પણ નુકસાન
પોરબંદર એસ.ટી. ડેપો નજીકના ફુવારામાં શ્વાન ખાબકતાઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ અને નગર પાલિકાની ટીમ દ્વારા થયું રેસ્ક્યુ સ્થાનિકોમાં વહીવટી બેદરકારી સામે રોષ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.22
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સૌંદર્યી કરણના વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ વહીવટી બેદરકારીના કારણે અબોલ જીવો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. આવી જ એક ઘટના પોરબંદર એસ.ટી. ડેપો નજીક આવેલા રિલાયન્સ ફુવારામાં બની છે, જ્યાં રેલીંગ કે સુરક્ષાત્મક આડશના અભાવે એક શ્વાન ફુવારામાં ખાબકતા તેને ઈજા પહોંચી હતી અને ફુવારાની અંદરની સુવિધાઓને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રિલાયન્સ ફુવારાના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ફુવારા ફરતે રેલીંગ કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવતા અચાનક એક શ્વાન ફુવારામાં પડી ગયું હતું. બહાર નીકળવા માટે શ્વાને ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતાં તેણે અંદર પાથરાયેલી પાઇપ લાઇન અને ઇલેક્ટ્રિક વાયરિંગનો સહારો લીધો હતો. આ દરમિયાન વાયરિંગ અને પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, શ્વાન લાંબા સમય સુધી ફુવારામાં ફસાયેલું રહ્યું હતું અને બહાર નીકળવાના પ્રયાસોમાં તેના પગ તથા માથામાં ઈજાઓ પણ પહોંચી હતી.
ઘટના સ્થળે લોહીના ડાઘ જોવા મળ્યા હોવાનું પણ જણાવાયું છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે અબોલ જીવની પીડા કરતાં ફુવારાને થયેલા નુકસાન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ નેહલબેન કારાવદરા જીવદયા પ્રેમીઓ ની ટીમ તેમજ મહાનગર પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી શ્વાનનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યાર બાદ શ્વાનને સારવાર માટે ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે ત્યારે તેની સુરક્ષા અને વ્યવહારિક પાસાઓનું યોગ્ય આયોજન કેમ કરવામાં આવતું નથી? જો ફુવારા ફરતે રેલીંગ અથવા અન્ય સુરક્ષાત્મક વ્યવસ્થા કરવામાં આવી હોત તો અબોલ જીવ ફસાત નહીં અને સરકારી મિલકતને પણ નુકસાન ન પહોંચ્યું હોત. પોરબંદર શહેરમાં રઝળતા ઢોર અને શ્વાનોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. હવે આ સમસ્યા માત્ર નાગરિકોની મુશ્કેલી પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ શહેરના વિકાસ અને સૌંદર્યીકરણના પ્રોજેક્ટ્સ માટે પણ નગર પાલિકાની અણઘડ વહીવટી તંત્રની કામગીરી સામે પડકારરૂપ બની રહી છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાને ફુવારા સહિતના જાહેર સ્થળોએ તાત્કાલિક સુરક્ષાત્મક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.


