લગ્નના ચાર વર્ષ બાદ કનિકા કપૂરનો મોટો નિર્ણય, પતિ ગૌતમ હથિરામાનીથી થશે અલગ
૧૫ વર્ષ જૂની મિત્રતા બાદ લગ્ન કરનાર કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનું નક્કી કર્યું; સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી, અંગત કારણો જાહેર કર્યા નહીં
મુંબઈ, તા. ૪
'બેબી ડોલ' અને 'ચિટ્ટિયાં કલાઈયાં' જેવા લોકપ્રિય બોલિવૂડ ગીતોથી જાણીતી બનેલી સિંગર કનિકા કપૂરે પોતાના ઉદ્યોગપતિ પતિ ગૌતમ હથિરામાનીથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે. લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનું નક્કી કર્યું છે. કનિકાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને આ અંગત નિર્ણય અંગે જાણકારી આપી હતી.
કનિકા કપૂરે પોતાની સત્તાવાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, ખૂબ વિચાર-વિમર્શ કર્યા બાદ તેમણે અને તેમના પતિએ અલગ થવાનો નિર્ણય લીધો છે. સાથે વિતાવેલા સમય માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને ગૌતમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે તેમણે પરિવારજનો અને મિત્રોને આ મુશ્કેલ સમય દરમિયાન તેમની અંગત ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી પણ કરી હતી.
જોકે, કનિકાએ પોતાની પોસ્ટમાં છૂટાછેડા અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી કે અલગ થવા પાછળનું ચોક્કસ કારણ પણ જાહેર કર્યું નથી. આથી બંને વચ્ચેના સંબંધો અંગે વધુ વિગતો સામે આવી નથી.
અગાઉ ગૌતમ હથિરામાની સાથેના સંબંધો વિશે વાત કરતાં કનિકાએ જણાવ્યું હતું કે તેઓ એકબીજાને લગભગ ૧૫ વર્ષથી ઓળખતાં હતાં અને ખૂબ જ ગાઢ મિત્રો હતાં. કનિકાએ ગૌતમને વર્ષ ૨૦૧૪માં અને ત્યારબાદ ૨૦૨૦માં બે વખત લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે, ઓગસ્ટ ૨૦૨૧માં ગૌતમે કનિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ ૨૦ મે, ૨૦૨૨ના રોજ બંનેએ લંડનમાં પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરના આ બીજા લગ્ન હતાં. અગાઉ વર્ષ ૧૯૯૮માં માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેમણે ઉદ્યોગપતિ રાજ ચાંદોક સાથે લગ્ન કર્યા હતાં. પ્રથમ લગ્નથી તેમને ત્રણ બાળકો છે, જેમાં બે પુત્રીઓ અનાયા અને સમાયરા તથા એક પુત્ર યુવરાજનો સમાવેશ થાય છે. રાજ ચાંદોક સાથે લગ્ન બાદ કનિકા લંડન રહેવા ગયાં હતાં. જોકે, વર્ષ ૨૦૧૨માં પતિ સાથે અણબનાવ થતાં બંને અલગ થઈ ગયાં હતાં. ત્યારબાદ કનિકા ભારત પરત ફર્યાં હતાં અને બોલિવૂડમાં ગાયિકા તરીકે પોતાની કારકિર્દી આગળ વધારી હતી.


