શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર : સોમનાથ મહાદેવનાં દર્શને ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવેલા શિવ મંદિરોમાં હર હર મહાદેવ હર... ઓમ નમ: શિવાય...નો જયઘોષ ગુંજી ઉઠયો

શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર : સોમનાથ મહાદેવનાં દર્શને ભાવિકો ઉમટી પડયા

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૭
પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે. આજે વહેલી સવારથી જ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવનાં દર્શને ભાવિકો ઉમટી પડયા હતાં. વહેલી સવારે ૪ વાગ્યે ભકતો માટે સોમનાથ મહાદેવનાં દ્વાર ખોલવામાં આવ્યા હતાં. 
સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો ભકતોએ સોમનાથ મહાદેવનાં પ્રથમ દર્શનનો લાભ લીધો હતો. સોમનાથ મહાદેવનાં દર્શન માટે વહેલી સવારથી ભકતોની લાંબી કતારો જાેવા મળી હતી. અને હર હર મહાદેવ હર... જય સોમનાથ... ના નાદથી સોમનાથ મંદિર પરીસર ગુંજી ઉઠયું હતું. સોમનાથ મંદિર સહીત સમગ્ર પ્રભાસ તિર્થમાં ભકિતમય માહોલ છવાયો હતો. સુરક્ષા જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનાં મંદિરે ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કરી અને ભાવવિભોર બન્યા હતાં.
પવિત્ર શ્રાવણ માસનાં સાતમ-આઠમનાં તહેવારો સંપન્ન થયા બાદ આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર હોય જૂનાગઢ શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં આવેલા ભગવાન ભોળાનાથનાં ધામ એવા શિવ મંદિરો શિવાલયમાં વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતાં. ભગવાન ભોળાનાથને બિલ્લીપત્રની પૂજા, જલાભિષેક, દુધાભિષેક તેમજ રૂદ્રાક્ષભિષેક સહીતની પૂજન વિધિ સાથે ભકિતમય માહોલ છવાયો હતો.