સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : ર૬૧૯૬ ઉમેદવારો વચ્ચે જંગ જામશે
૩૧૩ બેઠકો બિનહરીફ : જીલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો પર ગ્રામ્ય કક્ષાએ ભારે રસાકસી રહેશે
(એજન્સી) ગાંધીનગર,તા.૧૬
ગુજરાતમાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હવે 26,196 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, 313 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા સામે આવ્યું છે કે રાજ્યભરમાંથી કુલ 1536 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો ર્નિણય લીધો છે. સૌથી વધુ તાલુકા પંચાયતમાં 773 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે મહાનગરપાલિકામાં 124 ઉમેદવારો ચૂંટણી જંગમાંથી બહાર નીકળ્યા છે.
આ વખતની ચૂંટણીમાં રસપ્રદ વાત એ છે કે, કુલ 313 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં સૌથી વધુ નગરપાલિકામાં 276 બેઠકો પર કોઈ જંગ ખેલાશે નહીં. જોકે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ગ્રામીણ સ્તરે ભારે રસાકસી રહેવાની છે.


