સોનમ વાંગચુકે 27 દિવસ બાદ અનશન સમેટ્યું, કેન્દ્રના આશ્વાસન પછી લીધો નિર્ણય
NEET પેપર લીક મુદ્દે ચાલતું અનિશ્ચિત મુદતનું અનશન સમાપ્ત; કેન્દ્રીય મંત્રીઓએ હોસ્પિટલમાં જ્યુસ પીવડાવી પારણા કરાવ્યા
નવી દિલ્હી તા.24
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના હિતના પ્રશ્નોને લઈને લાંબા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ્ અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે અંતે પોતાનું અનશન સમાપ્ત કર્યું છે. અનશનના 27મા દિવસે તેમણે આ નિર્ણય લીધો, જેના બાદ ગુરુગ્રામની હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેમને જ્યુસ પીવડાવી પારણા કરાવ્યા.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓને સંબોધતા આપેલા વીડિયો સંદેશ પછી વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાને વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે આગામી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પેપર લીક જેવી ઘટનાઓ પર નિયંત્રણ લાવવા તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.
અનશન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વાંગચુકને ડૉક્ટરોની સલાહ મુજબ આરોગ્યની કાળજી રાખવા અને ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થવા શુભકામનાઓ પાઠવી હતી.
સોનમ વાંગચુકે 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ શરૂ કરી હતી. લાંબા ઉપવાસના કારણે તેમની તબિયત બગડતાં 18 જુલાઈએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં પરિવારની માંગ અને કોર્ટના નિર્દેશ અનુસાર તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા અને સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ વાંગચુકે પોતાનું 27 દિવસનું અનશન સમાપ્ત કર્યું. તેમના આ નિર્ણયને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


